પહલગામમાં પર્યટકો પર હુમલો કરનાર આતંકવાદીઓના સ્કેચ જાહેર કરાયા

April 23, 2025

મંગળવારે બપોરે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર વિશ્વમાં ફફડાટ મચાવી દીધો છે. આ આતંકવાદી હુમલામાં 27 લોકો માર્યા ગયા હતા. પહેલગામની બૈસરન ખીણમાં મંગળવારે બપોરે 2.45 વાગ્યે થયેલા આ હુમલામાં 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ આતંકવાદીની હાથમાં AK-47 લઈને તસવીર વાયરલ થયા બાદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે. આ સ્કેચને તે વિસ્તારમાં વાયરલ કરવામાં આવ્યા છે જેથી લોકોને શંકાસ્પદોને ઓળખવામાં મદદ મળી શકે.

તપાસ એજન્સીઓ હવે આ શંકાસ્પદોના છુપાવાના સ્થળો અને સંપર્કોની તપાસમાં વ્યસ્ત છે. ગુપ્તચર એજન્સીઓની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદીઓ, પીર પંજાલ ટેકરીઓથી ભારતમાં પ્રવેશ્યા પછી, રાજૌરીથી ચતરુ, પછી વાધવનથી પહેલગામ ગયા હતા.આ વિસ્તાર રિયાસી અને ઉધમપુર જિલ્લાની નજીક આવે છે, જ્યાં ગુર્જર અને બકરવાલ સમુદાયની મોટી વસ્તી છે.

આતંકવાદીઓએ કદાચ આ રસ્તો એટલા માટે પસંદ કર્યો હતો જેથી તેઓ સામાન્ય લોકોની આડમાં ગુપ્ત રીતે મુસાફરી કરી શકે અને કોઈને તેમના પર શંકા ન થાય. લશ્કર-એ-તૈયબાની વિંગ ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ગોળીબાર બાદ આતંકવાદીઓ ભાગી ગયા હતા. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે પહેલગામ હુમલામાં બે વિદેશી આતંકવાદીઓ અને બે સ્થાનિક આતંકવાદીઓ સામેલ હતા.