સોનમ રઘુવંશીના 72 કલાકના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર

June 10, 2025

રાજા રઘુવંશી હત્યાકાંડની મુખ્ય આરોપી સોનમ રઘુવંશીની ધરપકડ બાદ હવે કેસમાં ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોડી રાત્રે શિલોંગ પોલીસે સોનમ રઘુવંશીને ગાઝીપુરની જિલ્લા કોર્ટમાં હાજર કરી, જ્યારે પોલીસે ટ્રાન્ઝિટ રિમાન્ડની માગ કરી, દલીલો સાંભળ્યા બાદ કોર્ટે શિલોંગ પોલીસની અપીલનો સ્વીકાર કરી લીધો અને સોનમના 72 કલાકના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા છે.

પોલીસ તરફથી કોર્ટમાં જણાવવામાં આવ્યું કે હત્યાના ષડયંત્રમાં સોનમની ભૂમિકા ખુબ જ મહત્વની છે અને તેને શિલોંગ લઈ જઈને પૂછપરછ કરવી જરૂરી છે. પોલીસે જણાવ્યું કે સોનમે પોતાના પ્રેમી રાજ કુશવાહ સાથે મળીને રાજાની હત્યાનું ષડયંત્ર બનાવ્યું અને હત્યાને અંજામ આપનારા કોન્ટ્રાક્ટ કિલર્સ સાથે મુલાકાત પણ કરાવી. હવે પોલીસ સોનમને ગાઝીપુરથી પટના લઈને જઈને ફ્લાઈટથી ગુવાહાટી અને ત્યાંથી શિલોંગ લઈ જશે. આ દરમિયાન મહિલા પોલીસ અધિકારી અને તેની સમગ્ર ટીમ તેની સાથે રહેશે.

એક તરફ મેઘાલયના ડીજીપી એમ કહી રહ્યા છે કે સોનમે જ તેના પતિની હત્યાનું ષડયંત્ર રચ્યુ છે. પરંતુ સોનમ કંઇક બીજી જ સ્ટોરી કહી રહી છે. પોલીસની થિયરી મુજબ સોનમ રઘુવંશીની રાજા નામના એક શખ્સ સાથે અફેર હતુ અને તેણે રાજા સાથે મળીને હત્યારાને સોપારી આપીને રાજા રઘુવંશીની હત્યા કરાવી દીધી. પરંતુ આ મામલે એક મોટો ખુલાસો થયો છે. સોનમનું કહેવુ છે કે તે ઢાબા પર પહોંચી તે પહેલા તેને કિડનેપ કરવામાં આવી હતી.