ભારતમાં હાઈસ્પીડ સેટેલાઈટ ઈન્ટરનેટ શરૂ કરવા માટે સ્ટારલિંક તૈયાર

November 01, 2025

સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્ક હવે ભારતમાં ઇન્ટરનેટની દુનિયામાં પ્રવેશ કરી રહ્યા છે. તેમની કંપની સ્ટારલિંક સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ ભારતમાં તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. જેના માટે સ્ટારલિંકે મુંબઈના ચાંદિવલી વિસ્તારમાં આશરે 1,294 ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ રૂ.2.33 કરોડના ભાડા પર પાંચ વર્ષના લીઝ પર લીધી છે. ભારતમાં ઈલોન મસ્કની કંપનીની પ્રથમ સત્તાવાર હાજરી માનવામાં આવી રહી છે. 

સ્ટારલિંક કંપની આજે 30 ઓક્ટોબર અને આવતીકાલે 31 ઓક્ટોબરના રોજ મુંબઈમાં ટેકનિકલ અને સુરક્ષા ડેમો રનનું આયોજન કર્યું છે, જેમાં તેના હાઇ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્કની ક્ષમતાનું પ્રદર્શન કરાશે. તેવામાં મસ્કની કંપનીના ટ્રાયલને ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ કનેક્ટિવિટીના નવા યુગની શરૂઆત માનવામાં આવી રહી છે. જેનાથી દેશના દૂરના અને ગ્રામીણ વિસ્તારોમાં પણ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ ઍક્સેસ શક્ય બની શકશે. ડેમો રન પછી કંપની ભારતમાં લોન્ચિંગ કરી શકે છે.

જોકે, સ્ટારલિંક હજુ પણ સરકારની મંજૂરી અને સ્પેક્ટ્રમ ક્લિયરન્સની રાહ જોઈ રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, સ્ટારલિંકની એન્ટ્રી થવાથી ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ ક્ષેત્રમાં નવી સ્પર્ધા શરૂ થશે. આનાથી ઇન્ટરનેટ સેવાની ગુણવત્તા અને સુલભતામાં નોંધપાત્ર ફેરફારો થઈ શકે છે. ઈલોન મસ્કની સ્ટારલિંક કંપની 150થી વધુ દેશોમાં ઉપગ્રહોના નેટવર્ક દ્વારા હાઇ-સ્પીડ, લો-લેટેન્સી ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરેશે, જે ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં તેમજ જહાજો અને વિમાનોમાં કાર્ય કરી શકે છે.