સુનિતા વિલિયમ્સ લાખો લોકો માટે પ્રેરણાનો સ્રોતઃ PM મોદીએ Crew-9 મિશનની સફળતાને બિરદાવી

March 19, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાસાની અંતરિક્ષયાત્રી અને ભારતની દિકરી સુનિતા વિલિયમ્સની ઘરવાપસી પર શુભેચ્છાઓ પાઠવી છે. ક્રૂ-9 અંતરિક્ષયાત્રીઓની સિદ્ધિઓને બિરદાવતાં તેમણે અભિવાદન કર્યું હતું.

PM મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી હતી કે, 'નાસાનું ક્રૂ-9 મિશન એ દ્રઢ સંકલ્પ, હિંમત અને અનન્ય જુસ્સાનું પરિણામ છે. સુનિતા વિલિયમ્સ અને ક્રૂ-9ના અંતરિક્ષયાત્રીઓએ ફરી એકવાર આ જ દ્રઢતાનું ઉદાહરણ પૂરુ પાડ્યું છે. તેમનું અથાગ યોગદાન અને સાહસ લાખો લોકોને હંમેશા માટે પ્રેરિત કરશે. તે એક આઈકોન બન્યા છે. પૃથ્વીએ તમને ખૂબ યાદ કર્યાં.'

PM મોદીએ આગળ કહ્યું કે, 'સ્પેસ એક્સપ્લોરેશન માનવીના જુસ્સાને વેગ આપતાં તેમને સપનું સાકાર કરવાની હિંમત આપે છે. સુનિતા વિલિયમ્સ એક પથદર્શક અને પ્રેરણાનો સ્રોત છે. જેમણે પોતાની કારકિર્દીમાં આ જુસ્સાને જાળવી રાખતાં શ્રેષ્ઠ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. તેમને પરત પૃથ્વી પર સુરક્ષિત લાવવાના પ્રયાસમાં જોડાયેલા તમામ લોકો પર ગર્વ છે. તેઓએ કરી બતાવ્યું કે, જ્યારે જુસ્સો અને ટેક્નોલોજી એક સાથે કામ કરે છે, ત્યારે અદ્ભૂત પરિણામો મળે છે.'

ક્રૂ-9 મિશનમાં સામેલ સુનિતા વિલિયમ્સ, બુચ વિલ્મોર સહિત ચાર અંતરિક્ષયાત્રીઓ નવ મહિના બાદ પૃથ્વી પર પરત ફર્યા હતા. અગાઉ અનેક વખત તેમને અંતરિક્ષમાંથી પાછા લાવવાની કવાયત હાથ ધરાઈ હતી. પરંતુ નિષ્ફળતા મળી હતી. અંતે આજે વહેલી સવારે સ્પેસએક્સના ડ્રેગન ફ્રિડમ કેપ્સૂલની મદદથી 3.27 વાગ્યે આ ચારેય અંતરિક્ષયાત્રી પૃથ્વી પર સુરક્ષિત પરત ફર્યા છે.