મોદી અંગે થરુરની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટનું નિવેદન : નેતા અને જજો જાડી ચામડીના હોવા જોઈએ

August 01, 2025

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે આપેલા નિવેદન બદલ માનહાનિના કેસમાં સુપ્રીમ કોર્ટે શુક્રવારે (પહેલી ઑગસ્ટ) કોંગ્રેસના સાંસદ શશિ થરુરને રાહત આપી હતી. કોર્ટે કહ્યું હતું કે 'નેતાઓ અને જજો જાડી ચામડીના હોવા જોઈએ.' નોંધનીય છે કે, વર્ષ 2018માં શશિ થરુરના નિવેદન પર ભાજપના નેતા રાજીવ બબ્બરે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. કોંગ્રેસ નેતા શશિ થરુરે આ કેસમાં કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરી હતી, જેને હાઇકોર્ટમાં ફગાવી દેતાં તેમણે સુપ્રીમ કોર્ટ દરવાજો ખટખટાવ્યો હતો. 
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે જણાવ્યું હતું કે, 'આ બધી બાબતો વિશે આટલા ભાવુક કેમ થવું? આપણે બધાએ આ બાબતો બંધ કરવી જોઈએ. એક રીતે નેતાઓ અને જજો એક જ જૂથમાં આવે છે. તેઓ જાડી ચામડીના હોવા જોઈએ, આવી બાબતોથી કોઈ ફરક પડવો જોઈએ નહીં.' કોંગ્રેસ નેતા શશિ થરુરે નવેમ્બર 2018માં બેંગ્લોર સાહિત્ય મહોત્સવમાં કહ્યું હતું કે, 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના એક નેતાએ પીએમ મોદીની સરખામણી શિવલિંગ પર બેઠેલા વીંછી સાથે કરી હતી.' આ નિવેદન પર વિવાદ સર્જાયો હતો. 


ભાજપના નેતા રાજીવ બબ્બરે નવેમ્બર 2018માં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં શશિ થરુર સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો, તેમણે દાવો કર્યો હતો કે, શશિ થરુરનું નિવેદન માત્ર વડાપ્રધાન મોદીને બદનામ કરવાની સાથે ભગવાન શિવના ભક્તોની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચાડે છે. તે ભાજપ, આરએસએસ અને તેમના સભ્યોની છબીને નુકસાન પહોંચાડે છે.
દિલ્હી હાઇકોર્ટે માનહાનિ કેસ રદ કરવાની માંગ કરતી શશિ થરુરની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, 'વડાપ્રધાન સામેના આરોપો ઘૃણાસ્પદ અને નિંદનીય છે અને પક્ષ, તેના સભ્યો અને તેના પદાધિકારીઓની છબીને અસર કરે છે.