રાષ્ટ્રગીતને સન્માન ન મળતાં નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ, વિધાનસભાથી કર્યું વૉકઆઉટ

January 20, 2026

તમિલનાડુ સરકાર અને રાજ્યપાલ આર.એન. રવિ વચ્ચેનો વિવાદ ફરી એક વાર સામે આવ્યો છે.  રાજ્યપાલ આર.એન. રવિએ સતત ત્રીજા વર્ષે વિધાનસભામાં પોતાનું પરંપરાગત સંબોધન આપ્યા વિના વૉકઆઉટ કર્યું હતું. તેમની માગ હતી કે પરંપરાગત રાજ્ય ગીત (તમિલ થાઈ વાઝથુ) બાદ તરત જ રાષ્ટ્રગીત વગાડવામાં આવે, પરંતુ સ્પીકર એમ. અપ્પાવુએ આ માગને નકારી કાઢી હતી. રાજ્યપાલના મતે આ બંધારણીય ફરજનું ઉલ્લંઘન છે. પરિણામે આર.એન. રવિએ ગૃહને સંબોધિત કર્યા વિના જ કાર્યવાહીનો બહિષ્કાર કર્યો. રાજ્યપાલે સતત ત્રીજા વર્ષે ગૃહનો બહિષ્કાર કર્યો છે. આ પહેલા તેમણે 2024 અને 2025માં પણ ભાષણ નહોતું આપ્યું. તમિલનાડુ લોકભવને પ્રેસ રિલીઝ જારી કરીને આ સમગ્ર મામલે જાણકારી આપી છે. તમિલનાડુ વિધાનસભામાં રાજ્યપાલ આર.એન. રવિએ  કહ્યું કે, 'મને ખૂબ જ દુ:ખ છે કે, રાષ્ટ્રગીતને સન્માન આપવામાં નથી આવી રહ્યું. ભાષણમાં વિક્ષેપ પડ્યો તે દુર્ભાગ્યપૂર્ણ છે. હું મારી જવાબદારીઓથી સારી રીતે વાકેફ છું. પરંતુ રાષ્ટ્રગીતને યોગ્ય સન્માન મળવું જોઈએ.' રાજ્યપાલની માગ પર પ્રતિક્રિયા આપતા તમિલનાડુના સ્પીકર અપ્પાવુએ કહ્યું કે, 'વિધાનસભામાં માત્ર ધારાસભ્યોને જ પોતાના વિચારો શેર કરવાની છૂટ છે. બીજું કોઈ પોતાના વિચારો ન થોપી શકે. સરકારે રાજ્યપાલના સંબોધનની તૈયારીઓ કરી રાખી હતી.' જોકે, રાજ્યપાલે કહ્યું કે, 'મારો માઈક બંધ કરી દેવામાં આવ્યો અને મને બોલવા ન દીધો. તેનાથી મારું અપમાન થયું છે.'