તેજ પ્રતાપ યાદવે નવો રાજકીય પક્ષ બનાવ્યો, ચૂંટણી ટાણે મહાગઠબંધનનું ટેન્શન વધાર્યું

September 26, 2025

બિહાર : બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ની હવે ગમે ત્યારે મતદાનની તારીખો જાહેર થવાની તૈયારી છે ત્યારે કોંગ્રેસ-રાજદના નેતૃત્વ હેઠળના મહાગઠબંધન માટે ચિંતાનો વિષય ઊભો થયો છે. રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) ના પૂર્વ નેતા અને લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવે નવો રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત કરી છે. તેજ પ્રતાપની પાર્ટીનું નામ 'જનશક્તિ જનતા દળ' છે. તેનું ચૂંટણી પ્રતીક 'બ્લેકબોર્ડ' છે. તેજ પ્રતાપ યાદવે તેમના સત્તાવાર X હેન્ડલ પર ચૂંટણી પ્રતીક સાથે નવી પાર્ટીનું પોસ્ટર બહાર પાડ્યું છે.

તેજ પ્રતાપ યાદવે તેમના X હેન્ડલ પર તેમની નવી પાર્ટીનું પોસ્ટર અપલોડ કર્યું અને તેને કેપ્શન આપ્યું કે, 'હું અને મારી પાર્ટી બિહારના સંપૂર્ણ વિકાસ માટે પૂર્ણ રૂપે સમર્પિત છું. મારો અને મારી પાર્ટીનો હેતુ બિહારમાં સંપૂર્ણ બદલાવ માટે એક નવી વ્યવસ્થાનું નિર્માણ કરવાનો છે. જનશક્તિ જનતા દળ દ્વારા બિહારના સંપૂર્ણ વિકાસ માટે સંઘર્ષ કરીશું અને આગામી ચૂંટણીના મેદાનમાં ઉતરીને વિરોધીઓને ટક્કર આપીશું.' તેજ પ્રતાપ યાદવે પોતાની પાર્ટી, જનશક્તિ જનતા દળ માટે જે પોસ્ટર લોન્ચ કર્યું છે તેમાં પાંચ મહાપુરુષોની તસવીરો છે: મહાત્મા ગાંધી, બીઆર આંબેડકર, રામ મનોહર લોહિયા, જય પ્રકાશ નારાયણ અને કર્પૂરી ઠાકુર. આ દરમિયાન, તેજ પ્રતાપ યાદવે નવી પાર્ટીની જાહેરાતથી રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)માં ખળભળાટ મચી ગયો છે, કારણ કે તેમનો નવો પક્ષ તેજસ્વી યાદવને સીધો પડકાર ફેંકી રહ્યો છે, જે I.N.D.I.A એલાયન્સનો મુખ્ય મંત્રીનો ચહેરો છે.