મહા ગઠબંધનમાં ટેન્શન! 5 બેઠકો પર RJD-કોંગ્રેસ વચ્ચે કોકડું ગૂંચવાયું

October 10, 2025

બહાદુરગંજ- આગામી બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે મહા ગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણીને લઈને ચાલી રહેલી વાટાઘાટો હજુ પણ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી. છેલ્લા કેટલાક દિવસોમાં મેરેથોન બેઠકો યોજાવા છતાં બંને પક્ષો વચ્ચે પાંચ બેઠકો પર ગૂંચવણ યથાવત્ છે.


આ વિવાદિત બેઠકોમાં બાયસી, બહાદુરગંજ, રનીગંજ, કહલગાંવ અને સહરસાનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આમાંથી કોઈ પણ પક્ષ એક પણ બેઠક પર સમાધાન કરવા તૈયાર નથી, જેના કારણે વાટાઘાટો ગૂંચવાઈ ગઇ છે. સૂત્રોના મતે, 2020ની વિધાનસભા ચૂંટણીમાં RJDએ રનીગંજ, સહરસા અને બાયસી બેઠકો પરથી ચૂંટણી લડી હતી જ્યારે કોંગ્રેસને કહલગાંવ અને બહાદુરગંજ બેઠક મળી હતી. જોકે, આ પાંચેય બેઠકો પર બંને પક્ષોનો પરાજય થયો હતો.

આ દરમિયાન RJD ઈચ્છે છે કે કોંગ્રેસ કહલગાંવ અને બહાદુરગંજ બેઠકો છોડી દે. જ્યારે કોંગ્રેસની માંગ છે કે રનીગંજ, સહરસા અને બાયસી બેઠકો પર ચૂંટણી લડવા મળે. વરિષ્ઠ નેતાઓના હવાલાથી એક અહેવાલમાં જણાવાયું છે કે ગઠબંધનમાં અન્ય સહયોગી પક્ષોની સંખ્યા વધવાથી દરેક પક્ષના ક્વોટામાં કાપ મૂકવો પડી રહ્યો છે, જેના કારણે આ વિવાદ ઊભો થયો છે.
આ વાટાઘાટોની વચ્ચે RJDએ કોંગ્રેસ સાથે પરામર્શ કર્યા વિના કહલગાંવ બેઠક પર યાદવ ઉમેદવારને ટિકિટ આપવાનું આશ્વાસન આપી દીધું હોવાથી કોંગ્રેસ નારાજ છે. બુધવારે તેજસ્વી યાદવે આ જ બેઠક પરથી પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત પણ કરી દીધી, જેનાથી કોંગ્રેસની નારાજગી વધી. તેજસ્વી સાથે ઝારખંડ સરકારના મંત્રી સંજય યાદવના પુત્ર રજનીશ યાદવ હાજર હતા, જે RJDના સંભવિત ઉમેદવાર માનવામાં આવે છે. નોંધનીય છે કે 2020માં કહલગાંવમાં ભાજપના પવન કુમાર યાદવે કોંગ્રેસના શુભાનંદ મુકેશને મોટા માર્જિનથી હરાવ્યા હતા.