કોંગ્રેસ અને ભાજપના આ દિગ્ગજો લોકસભા ચૂંટણી નહીં લડે, ચાર મોટા નેતાએ પોતે કરી સ્પષ્ટતા

March 12, 2024

કડી- લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ દેશભરના રાજકારણમાં ઉથલ-પાથલ જોવા મળી રહી છે. વિવિધ પક્ષો ઉમેદવારોના નામ જાહેર કરવા ઉપરાંત નારાજ નેતાઓને મનાવવાનું, ગઠબંધનનું ગણિત સેટ કરવાનું અને જૂના પક્ષો સાથે ફરી મિત્રતા કરી પોતાની તાકાત વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસના ઘણા ધારાસભ્યો અને નેતાઓએ તાજેતરમાં જ પક્ષ પલટો કરી લીધો છે. પરંતુ ગુજરાતના કેટલાક એવા પણ નેતાઓ છે જેઓ આગામી લોકસભા ચૂંટણી લડવા નથી માંગતા. જેઓ ચૂંટણી ન લડાવવા અંગે હાઈકમાન્ડને વિનંતી પણ કરતા જોવા મળી રહ્યા છે. પરંતુ એક એવી પણ ચર્ચા છે કે કેટલાક નેતાઓની ટિકિટ કપાવાની હોવાથી ચૂંટણી ન લડવાની વાત કરી રહ્યા છે. આ સાથે ગુજરાતમાં એ પણ ચર્ચા શરૂ થઈ છે કે શું નેતાઓને પહેલાથી જ હારનો ડર લાગ્યો છે?


કોંગ્રેસના કેટલાક મોટા નેતાઓ આ વર્ષે ચૂંટણી નહીં લડે અને તેઓ ઉમેદવારો માટે પ્રચાર કરશે. જેમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, તુશાર ચૌધરી, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી અને ભરતસિંહ સોલંકીનો સમાવેશ થાય છે. જોકે તેઓ કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર કરશે તેવી વાત કરી ચૂક્યા છે. તો સૂત્રોના અનુસાર અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, સુખરામ રાઠવા અને સિદ્ધાર્થ પટેલ સહિત ગુજરાત કોંગ્રેસના મોટા નેતા લોકસભાની ચુંટણી ન લડે તેવી શક્યતા છે. તો ભાજપના પણ કેટલાક નેતાઓ લોકસભા લડવા નથી માંગતા. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓ પોતાના વિસ્તારની બેઠકો પરના મુખ્ય ચહેરા મનાય છે. તો સુખરામ રાઠવાએ ઉંમરના કારણે ચૂંટણી ન લડવાનું મન મનાવ્યું છે. જોકે બારડોલી બેઠક પરના પ્રબળ દાવેદાર ગણાતા કોંગ્રેસના તુષાર ચૌધરી, અમરેલી બેઠક પરના પ્રબળ દાવેદાર ગણાતા પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા અને સિદ્ધાર્થ પટેલ દ્વારા ચૂંટણી ન લડવા અંગે સત્તાવાર જાહેરાત કરાઈ નથી.