'જે દિવસે સત્તામાં આવીશ, એ દિવસે જાતિ...' ફરી ભડક્યાં દિગ્ગજ સાંસદ, લઠ્ઠાકાંડના પીડિતોને મળ્યાં

October 19, 2024

બિહારના સારણ અને સિવાનમાં પૂર્ણિયાના અપક્ષ સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ લઠ્ઠાકાંડના પીડિતોના પરિવારોને મળવા પહોંચ્યા હતા. ત્યાં તેમણે કહ્યું હતું કે, 'જે લોકો નફરત પેદા કરી રહ્યા છે અને જાતિનું અપમાન કરી રહ્યા છે, તેમને મારો આગ્રહ છે કે તેઓ અપમાન કરવાનું બંધ કરે. આ બિહાર છે. બધાને પાઠ ભણાવી દે છે. હું જે દિવસે સત્તામાં આવીશ, એ દિવસે જાતિને ગાળો આપતા લોકોને રાજકારણ કરવા નહીં દઉં. અમે તેમને ક્યારેય ટિકિટ પણ નહી આપીએ. અમે એવો કાયદો લાવીશું કે કોઈપણ પક્ષ આવા લોકોને ટિકિટ આપી શકશે નહીં.' આ ઉપરાંત સાંસદ લઠ્ઠાકાંડમાં થયેલી મોત અંગે કહ્યું હતું કે,'આનાથી મોટી દુ:ખદ ઘટના ન થઈ શકે. આ મોત નથી પરંતુ હત્યા છે. આ હત્યામાં જે પણ સામેલ છે તેમની સામે કેરળ, તમિલનાડુ, તેલંગાણાની જેમ કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને આજીવન કેદની સજાની જોગવાઈ કરવી જોઈએ.' આ ઘટના બાબતે પપ્પુ યાદવે વધુમાં કહ્યું હતું કે, 'હું સરકાર પાસે માંગ કરું છું કે વેચનાર અને બનાવનાર આજીવન કેદની સજાની જોગવાઈ હોવી જોઈએ. તેમજ તેમને ક્યારેય જામીન મળવા ન જોઈએ. આવી ઘટના માટે જવાબદાર અધિકારીને નોકરીમાંથી બરતરફ કરી તેની સામે હત્યાનો કેસ દાખલ કરવો જોઈએ.'  પપ્પુ યાદવે કહ્યું કે, 'એક નેતાએ કહ્યું હતું કે લોકો તો મરતા રહે છે. હું તે નેતાને પૂછવા માંગુ છું કે જ્યારે બિહારમાં દારૂનો વ્યાપ હતો ત્યારે શું આવું નહોતું થતું. ત્યારે પણ લોકો મરી રહ્યા હતા. આ ઝેરી દારૂ પર ક્યારે પ્રતિબંધ આવશે?'