સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ 30 કલાક બાદ કાબૂમાં

February 27, 2025

સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં મંગળવારે આગ લાગી હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ મંગળવારે સવારે ફરી આગ ભભૂકી ઉઠી હતી, જે પાંચમા માળ સુધી પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને 30 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. હાલમાં કૂલિંગની કામગીરી ચાલી રહી છે. આગ પર કાબૂ મેળવી લેવામાં આવતાં તંત્ર અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. 

શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી 800થી વધુ દુકાનો આગની ચપેટમાં આવી ગઇ હતી. જેમાં 400થી વધુ દુકાનો બળીને ખાક થઇ ગઇ છે.  ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. બારડોલી, નવસારી,  સુરત સહિતની ફાયરની ટીમો આગ ઓલવવાની કામગીરીમાં લાગી હતી. આ ઉપરાંત હજીરા, ઓએનજીસી, રિલાયન્સ, ક્રિભકો સહિત કંપનીના ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી.