સરકારે અદાણી પાવર પાસેથી છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ ભાવ આપીને વીજળી ખરીદી

March 18, 2023

ગાંધીનગર : દેશમાં અદાણીનો મુદ્દો વધુ ગરમ થઈ રહ્યો છે. સંસદમાં પણ કોંગ્રેસ દ્વારા અદાણીના મુદ્દાને લઈને ધમાસાણ ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ વિધાનસભાના સત્રમાં અદાણીનો મુદ્દો વધુ ચગી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા સરકારને ઉર્જા વિભાગના સવાલોને લઈને ઘેરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સરકારે પોતાના પાવર પ્લાન્ટ હોવા છતાં અદાણી સહિતની કંપનીઓ પાસેથી મોંઘાભાવની વીજળી ખરીદી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના સવાલના જવાબમાં સરકારે અદાણી સહિતની કંપનીઓ પાસેથી છેલ્લા બે વર્ષમાં કેટલી વીજળી ખરીદી તેનો લેખિતમાં જવાબ આપ્યો હતો. 

 

કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ગૃહમાં કહ્યું હતું કે, રાજ્ય સરકારે પોતાના પબ્લિક સેક્ટરના પાવર યુનિટ હોવા છતાં માત્ર ખાનગી કંપનીઓના લાભાર્થે પોતાના પાવર સ્ટેશન બંધ રાખીને ખાનગી કંપનીઓ પાસેથી મોંઘા ભાવથી વીજળી ખરીદી છે. ગુજરાત પાસે હાલમાં 16 પાવર સ્ટેશન છે. જેમાં સરકારે 7 પાવર સ્ટેશનો બંધ રાખ્યાં છે. જ્યારે સરકારના 9 પાવર સ્ટેશનો 50 ટકાની કેપેસિટી સાથે ચાલી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસની સરકારે વીજ ઉત્પાદન માટે પાવર સ્ટેશન ઉભા કર્યા હતાં. આ પાવર સ્ટેશનને બંધ રાખીને ભાજપની સરકાર ખાનગી કંપનીઓ પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદે છે. જેના કારણે દેશમાં ગુજરાતના ગ્રાહકો વીજળીના સૌથી વધુ ભાવ ચૂકવવા પડે છે.