સુરતમાં કારની ટક્કરથી લોખંડનો દરવાજો બાળકી પર પડ્યો, માસૂમનું ઘટનાસ્થળે જ મોત

March 15, 2025

રાજ્યમાં એક તરફ નબીરાઓએ બેફામ વાહન ચલાવીને કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે સુરતના કુંભારિયા વિસ્તારમાં એક કાર ચાલકે સોસાયટીના લોખંડનો દરવાજો સાથે કાર અથડાવી હતી. આ દરમિયાન એક ચાર વર્ષની બાળકી ગેટ પાસે રમી રહી હતી. ત્યારે અચાનક કારની ટક્કરથી ગેટ તેના માથે પડી જતાં બાળકીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.  મળતી માહિતી અનુસાર,શહેરના કુંભારિયા વિસ્તારમાં આવેલા સુડા સહકાર આવાસના ગેટ નજીક બાળકો રમી રહ્યાં હતાં. આ દરમિયાન બેફામ થયેલા ચાલક કાર લઈને પસાર થયો હતો. જેણે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી કારને ગેટ સાથે અથડાવી હતી. જેથી લોખંડનો ગેટ ચાર વર્ષીય રણજિતા પર પડ્યો હતો. આ ઉપરાંત ગેટ પર ચાલકે કાર ચડાવી દીધી હતી, જેથી બાળકીનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું.  આ ઘટનાની જાણ થતાં તરત જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી કાર ચાલક હરેશ ઓળખિયાની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી. રણજિતાના પિતા સોસાયટીમાં જ વોચમેન તરીકે ફરજ બજાવે છે. બાળકીની માતાના હૈયાફાટ રૂદનના દ્રશ્યો સર્જાયા છે.