અમદાવાદમાં ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ પર વિમાન અથડાયું

June 12, 2025

અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ટેકઓફ સમયે ક્રેશ થતાં સર્જાયેલી દુર્ઘટનામાં એક અત્યંત કરુણ દ્રશ્ય સામે આવ્યું છે. આ વિમાન નજીકમાં આવેલી ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ પર અથડાયું હતું, જેના કારણે બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી અને 8થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે.

મળતી માહિતી મુજબ, ક્રેશ થયેલું વિમાન હોસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું. આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે. વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઈન્ટર્ન ડોક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો રહેતા હતા.