પાકિસ્તાનમાં ભગતસિંહની યાદમાં યોજાનારા કાર્યક્રમને કટ્ટરવાદીઓથી ખતરો, કોર્ટમાં સુરક્ષા માંગવી પડી

March 17, 2024

લાહોર- ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને પાકિસ્તાનના લાહોરમાં શાદમાન ચોકમાં જ 23 માર્ચ, 1931ના રોજ અંગ્રેજ સરકારે ફાંસી આપી હતી. આ જ જગ્યાએ તેમની પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમનુ આયોજન કરવાનુ નક્કી કરાયુ છે. ભગતસિંહનુ ભારતની સાથે સાથે પાકિસ્તાનમાં પણ સન્માન થાય છે. જોકે કેટલાક કટ્ટરવાદી તત્વોને આ બાબત પણ આંખમાં કણાની જેમ ખૂંચે છે. કોઈ પણ અનિચ્છનિય ઘટના ના બને તે માટે કાર્યક્રમનુ આયોજન કરવા માટે પણ આયોજકોને કોર્ટમાં સુરક્ષા મેળવવા માટે પિટિશન કરવી પડી છે.

પાકિસ્તાનના ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા લાહોર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને કહેવામાં આવ્યુ છે કે, કોઈ પણ અનિચ્છનિય ઘટના ના બને તે માટે 23 માર્ચે યોજાનારા કાર્યક્રમ માટે સુરક્ષા પૂરી પાડવામાં આવે અને કાર્યક્રમના સ્થળે એક સેફટી ગેટ બનાવવા માટે હાઈકોર્ટ પોલીસને સૂચના આપે. કોર્ટ આ પિટિશન પર સોમવારે સુનાવણી કરે તેવી શક્યતા છે. ભગતસિંહ મેમોરિયલ ફાઉન્ડેશનના વકીલ ઈમ્તિયાઝ કુરૈશીએ પિટિશનમાં કહ્યુ હતુ કે, પંજાબ સરકાર પાસે અમે ભગતસિંહની પુણ્યતિથી નીમિત્તે શાદમાન ચોકમાં યોજાનારા કાર્યક્રમની સુરક્ષા માટે અનુરોધ કર્યો હતો પણ સરકારે આ બાબત પર ધ્યાન આપ્યુ નથી અને તેના કારણે અમારે કોર્ટ પાસે આવવુ પડ્યુ છે. તેમણે કોર્ટમાં કહ્યુ હતુ કે, ભૂતકાળમાં પણ ભગતસિંહની સ્મૃતિમાં યોજાયેલા એક કાર્યક્રમના આયોજન સામે કટ્ટરવાદીઓએ ધમકીઓ આપી હતી.