શાહરુખની 'ડંકી'ની રીલીઝ પણ હવે આવતાં વર્ષ પર ઠેલાશે

March 21, 2023

મુંબઈ : પાંચ વર્ષના વિરામ બાદ શાહરુખ ખાનની 'પઠાણ' આ વર્ષે રીલીઝ થઈ હતી. તે પછી શાહરુખની ફિલ્મોની લાઈનબંધ રીલીઝ થવાની હતી. પરંતુ, 'જવાન'ની રીલીઝ ડેટ પાછી ઠેલાવાની સંભાવનાને પગલે તેની અન્ય ફિલ્મોનું રીલીઝ શિડયૂલ પણ અસ્તવ્યસ્ત થાય તેવી ચર્ચાઓ છે.  'જવાન' આગામી જૂન માસના બદલે હવે ઓક્ટોબરમાં રીલીઝ થાય તેવી સંભાવના છે. દરમિયાન, શાહરુખની 'ડંકી'ની રીલીઝ ડિસેમ્બરમાં રીલીઝ થવાને બદલે ૨૦૨૪ પર પાછી ઠેલાઈ શકે છે. ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર 'પઠાણ' ૫૦ દિવસ પછી પણ ચાલી રહી છે તેનો મતલબ એ કે શાહરુખની બે મોટી ફિલ્મો વચ્ચ ેઓછામાં ઓછો ત્રણ માસનો ગેપ હોવો જોઈએ. જાન્યુઆરીમાં 'પઠાણ' પછી 'જૂન'માં 'જવાન' અને ડિસેમ્બરમાં 'ડંકી' એ તારીખો વચ્ચેનો ગેપ બરાબર હતો. પરંતુ, હવે 'જવાન' પાછી ઠેલાવાની સંભાવનાઓથી નિર્માતાઓએ ફરી આયોજન કરવું પડી શકે છે. 'જવાન'ની રીલીઝ પાછી ઠેલાવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાતો થઈ નથી પરંતુ ફિલ્મ વર્તુળોમાં ચર્ચા મુજબ ફિલ્મમાં પોસ્ટ પ્રોડકશનનું કામ ધાર્યા કરતાં લાંબું ખેંચાઈ રહ્યું છે. વધુમાં છેલ્લી ઘડીએ સંજય દત્તનો કેમિયો નક્કી થયો છે તેનું શૂટિંગ અને પોસ્ટ પ્રોડક્શન પણ ચાલશે. આ સંજોગોમાં 'જૂન'ની નિર્ધારિત તારીખ જાળવવાનું મુશ્કેલ છે. સાથે સાથે સલમાનની 'ટાઈગર થ્રી' પણ દિવાળી સમયે રીલીઝ થવાની છે. તેમાં પણ શાહરુખ નોંધપાત્ર કહી શકાય તેવા કેમિયોમાં છે. આથી નિર્માતાઓ 'જવાન' અને 'ટાઈગર થ્રી' આગળ પાછળ રીલીઝ થાય તેવી પરિસ્થિતિ સર્જાવા દે છે કે કેમ તેના પર ટ્રેડ વર્તુળોની નજર છે.