હિંસા પાછળ ભાજપના ટોચના ત્રણ નેતા જવાબદાર TMC ધારાસભ્યનો આક્ષેપ

April 13, 2025

મુર્શિદાબાદ : પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં નવા વક્ફ કાયદા મુદ્દે આક્રોષ, દેખાવો અને હિંસાની ઘટના બાદ રાજકીય ઘમસાણ શરૂ થઈ ગયું છે. હિંસામાં ત્રણ લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. એકતરફ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ હિંસાની ઘટના પાછળ ભાજપને જવાબદાર ઠેરવ્યું છે, તો બીજીતરફ ભાજપે આક્ષેપ કર્યો છે કે, મુખ્યમંત્રી મમતા બેનરજીના તૃષ્ટિકરણની રાજનીતિના કારણે હિંસા થઈ છે.
ટીએમસીના ધારાસભ્ય મદન મિત્રાએ મુર્શિદાબાદ હિંસા મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ નેતાઓ ઉલ્ટી-સીધી વાતો બોલી બંગાળમાં હિંસા કરાવવા માંગે છે. તમામ રાજ્યોમાં આવી નાની હિંસાઓ થાય છે. હિંસા પાછળ વક્ફ કાયદો લાવનારી કેન્દ્ર સરકાર જવાબદાર છે. ભાજપ બંગાળમાં 2026ની ચૂંટણી પહેલા હિંસા કરાવવા માંગે છે અને પાકિસ્તાન સાથે યુદ્ધ કરવા માંગે છે. તેમણે કહ્યું કે, દેશમાં જે પણ હિંસાઓ થઈ રહી છે, તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (UP CM  Yogi Adityanath) જવાબદાર છે. આવી હિંસામાં કોઈનો પણ જીવ જાય છે અને તે ખોટું છે. જ્યાં સુધી મમતા બેનરજી (West Bengal CM Mamata Banerjee) છે, ત્યાં સુધી બંગાળમાં ક્યાંક પણ હિંસા ન થઈ શકે. મમતા બેનરજી બધાને સાથે લઈને ચાલી રહ્યા છે.