દિલ્હીમાંં બંદૂક બતાવી વેપારીને લૂંટી લેવાયો, 80 લાખ રોકડા ભરેલી બેગ લઇ લૂંટારુઓ ફરાર

March 18, 2025

દિલ્હીમાં બંદૂકની અણીએ વેપારી પાસેથી 80 લાખ રૂપિયાની લૂંટ થઇ હોવાનું સામે આવ્યું છે. પહેલા આરોપીએ વેપારીનો પીછો કર્યો અને પછી બંદૂક બતાવીને લૂંટ ચલાવી. આ સમગ્ર ઘટના લાહોરી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના હવેલી હૈદર કુલી ચાંદની ચોકમાં બની હતી. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ ઘટનાના જે વીડિયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ આખી લૂંટ કેવી રીતે અંજામ અપાયો હતો.

સીસીટીવી વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ ખભા પર બેગ લટકાવીને જઈ રહ્યો છે. તેનો એક શખ્સ પીછો કરી રહ્યો હતો. આ દરમિયાન પીછો કરી રહેલા શખ્સે બંદૂક કાઢી અને વેપારી સામે ધરી દીધી. વેપારીના ખભા પર રાખેલી બેગ છીનવી લેવાનું શરૂ કરે છે. આ સમય દરમિયાન વેપારી પણ પોતાની બેગ પાછી મેળવવા ખેંચમતાણ કરતો જોવા મળે છે. પરંતુ તે શખ્સ વારંવાર તેની સામે બંદૂક બતાવે છે અને બેગ છીનવી લઇને ત્યાંથી ભાગી જાય છે. વેપારી તેનો પીછો પણ કરે છે, પરંતુ કોઈ ફાયદો થતો નથી. લૂંટેલી બેગમાં 80 લાખ રૂપિયા હતા.

આ ઘટના બાદ વેપારી તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે અને કેસની વધુ તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે દિલ્હી કે દેશના અન્ય કોઈ રાજ્યમાં આ પ્રકારની પહેલી ઘટના નથી. તાજેતરમાં બિહારમાં પણ આવી જ એક ઘટના જોવા મળી હતી, જ્યારે બંદૂકની અણીએ એક જ્વેલર્સમાં લૂંટ ચલાવી હતી.