લગ્ન બહારના પ્રેમ સંબંધનો કરૂણ અંજામ, છોટાઉદેપુરમાં પતિ પોલીસે કરી પત્નીની હત્યા

December 06, 2023

છોટાઉદેપુરઃ છોડાઉદેપુરમાં 'પતિ-પત્ની ઓર વો'નો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે. પોલીસ પતિ દ્વારા તેની હત્યા કરી લાશ ફેંકી દેવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે. પ્રેમીકાને પામવા માટે પત્ની કાંટો બનતા પતિએ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 
છોટાઉદેપુરના ગોંદરિયા ગામની સીમમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. આ મહિલાની ઓળખ માટે ફોટા વાયરલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સામે આવ્યું કે જે મહિલાની લાશ મળી તે પોલીસ સ્ટાફના હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા વરશનભાઈ ભૂરાભાઈ રાઠવાની પત્ની છે. પત્નીની લાશ મળ્યા બાદ પોલીસ પતિની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલે પતિની કરતૂતનો ભાંડો ભૂટી ગયો હતો. 
પોલીસે જ્યારે વરશનભાઈ રાઠવાની પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે મૃતક કેડીબેનના ભાઈ વિરસિંહભાઈ રાઠવા સાથે જ્યારે ટેલીફોનીક વાત થઈ ત્યારે આરોપી પતિએ પત્નીની હત્યા કરવાની કબૂલાત કરી હતી. પોલીસે હાલ તો આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 
છોટાઉદેપુર જિલ્લામાં પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા વરશનભાઈ રાઠવાને લગ્ન બહાર એક મહિલા ટીઆરબી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ પ્રેમ સંબંધમાં પત્ની નડતર રૂપ બનતી હોવાને કારણે તેની હત્યા કરવાનું સામે આવ્યું છે. હાલ તો મૃતક કેડીબેનના પરિવારજનોએ આ પ્રેમ સંબંધને કારણે હત્યાનો આરોપ લગાવ્યો છે.