કોંગ્રેસમાં પ્રમુખપદની ચૂંટણી થશે કે, કુલડીમાં ગોળ ભંગાશે

September 03, 2022

ભારતીય રાજકારણમાં અને ઈતિહાસમાં કોંગ્રેસ તેના સૌથી નબળા સમયમાંથી પસાર થઈ રહી છે. 2014 પછી અનેક રાજ્યોમાં પકડ ગુમાવ્યા પછી અંતે સંગઠનને મજબૂત બનાવવાની દીશામાં વિચાર શરુ થયો છે.  હવે કૉંગ્રેસના નવા પ્રમુખ નિમવા માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો. આ કાર્યક્રમ પ્રમાણે માટે ૨૨ સપ્ટેમ્બરે ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. જ્યારે ૨૪ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર સુધી નોમિનેશન કરી શકાશે. પ્રમુખપદ માટે એક જ ઉમેદવાર હશે તો પરિણામ ૩૦ સપ્ટેમ્બરે જ જાહેર થઈ જશે અને આ ઉમેદવારને નવા પ્રમુખપદે ચૂંટાયેલા જાહેર કરવામાં આવશે. એક કરતાં વધારે ઉમેદવાર હશે તો ૧૭ ઑક્ટોબરે મતદાન થશે. કૉંગ્રેસના નવ હજાર કરતાં વધારે ડેલીગેટ્સ દેશભરમાં પ્રદેશ મુખ્યાલયે મતદાન કરશે અને ૧૯ ઑક્ટોબરે મતગણતરી થશે.
જો કે કૉંગ્રેસીઓની ઈચ્છા હજુય મતદાન કરાવ્યા વિના કુલડીમાં ગોળ ભાંગીને રાહુલ ગાંધીને અને રાહુલ ના માને તો નહેરુ-ગાંધી ખાનદાનની કોઈ વ્યક્તિને પ્રમુખપદે બેસાડવાની જ છે. તેના કારણે કૉંગ્રેસમાં ચૂટણી થશે કે તેમાં શંકા જ છે.  નહેરુ-ગાંધી ખાનદાનના વફાદારો હજુય રાહુલ ગાંધીને જ પ્રમુખ પદે બેસાડવાની વેતરણમાં છે. આ વફાદારોની આગેવાની અશોક ગહેલોતે લીધી છે. ગહેલોતે એલાન કર્યું કે, રાહુલ ગાંધીને ફરીથી પાર્ટીની બાગડોર સંભાળવા માટે મનાવવા છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરીશું. ગેહલોતને ડર છે કે, રાહુલ નહીં માને તો પોતાને બેસાડી દેશે અને રાજસ્થાનની ગાદી છોડવી પડશે. તેથી તેઓ રાહુલને મનાવવા મચી પડ્યા છે. કૉંગ્રેસ પ્રમુખપદ માટે અત્યારે અશોક ગેહલોતનું નામ જ સૌથી વધુ ચર્ચામાં છે. સોનિયા ગાંધીએ ગહેલોતને પ્રમુખપદે બેસવા માટે તૈયાર રહેવા કહી દીધુ હોવાની ચર્ચા છે. 
જો કે, ગહેલોતે પોતે આ વાતોને ખોટી ગણાવી છે પણ ગયા મંગળવારે સોનિયા ગાંધીએ તેમને મળવા બોલાવ્યા હતા. બંને વચ્ચે લંબાણપૂર્વક ચર્ચા થઈ એ પછી આ વાત બહાર આવી છે.  ગેહલોતને બીજા પણ તેમના જેવા કૉંગ્રેસીઓનો ટેકો છે. ગહેલોત જેવા જ બીજા વફાદાર સલમાન ખુર્શીદે પણ કહ્યું છે કે, રાહુલ ગાંધી પાર્ટીની એકમાત્ર પસંદગી છે અને રાહુલ વિદેશથી પરત ફરે પછી તેમને પ્રમુખપદ સંભાળવા માટે મનાવાશે.  ઉત્તરાખંડના ભૂતપૂર્વ સીએમ હરીશ રાવતે પણ રાહુલ ગાંધી કૉંગ્રેસના ફરી પ્રમુખ બને એવી આશા વ્યક્ત કરીને તેમને મનાવી લેવાશે એવું એલાન કર્યું છે. આવા સંજોગોમાં કૉંગ્રેસના બળવાખોરોએ પણ સામે બાંયો ચડાવી છે. કૉંગ્રેસ છોડીને ગયેલા ગુલામ નબી આઝાદે તો પહેલાં કહી દીધેલું કે, ચૂંટણી પ્રક્રિયાના નામે નાટક કરાઈ રહ્યું છે અને કોઈ ચૂંટણી-ફૂંટણી થવાની નથી. આઝાદ તો કૉંગ્રેસ છોડી ગયા પણ પૃથ્વીરાજ ચવાણ, આનંદ શર્મા સહિતના બળવાખોરો હજુય કૉંગ્રેસમાં જ છે. પૃથ્વીરાજ ચૌહાણે બળવાખોરીના અણસાર આપીને એ જ વાત કરી છે. કૉંગ્રેસ વર્કિંગ કમિટી (ઈઠઈ)ની વર્ચ્યુઅલ મીટિંગ પહેલાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પૃથ્વીરાજ ચૌહાણે એમ જ કહ્યું હતું કે, કૉંગ્રેસમાં કઠપૂતળી પ્રમુખ બનાવવાના પ્રયાસો ચાલુ છે.  અને તેમાંને તેમાં કૉંગ્રેસ સાવ પાર્ટી બરબાદ થઈ જશે. આનંદ શર્માએ તો રવિવારે યોજાયેલી કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં જ કોણ મતદાન કરશે તેનો મુદ્દો ઉઠાવ્યો. કૉંગ્રેસના ડેલીગેટ્સ મતદાન કરીને પ્રમુખ  ચૂંટતા હોય છે પણ હજુ સુધી મતદાર યાદી જ પ્રદેશ એકમોને મળી નથી.  શર્માએ મોઘમમાં એ કહી દીધું છે કે, છેલ્લી ઘડીએ મતદાર યાદી મોકલવામાં આવશે અને તેમાં ખાનદાનના વફાદારો જ હશે. આ યાદીની ચકાસણી કરવાનો સમય જ નહીં હોય તેથી ચૂંટણીના નામે નાટક જ થશે. એક વાર ચૂંટણી પતી એટલે રાત ગઈ, બાત ગઈ. કૉંગ્રેસના બળવાખોરોને જે શંકા છે એ સાવ આધાર વિનાની નથી. નહેરુ-ગાંધી ખાનદાનના વફાદાર કૉંગ્રેસીઓ જે રીતે હજુય રાહુલ ગાંધીના નામનું પૂંછડું ઝાલીને બેઠા છે. એ જોતાં રાહુલ નહીં માને તો તેમના ઈશારે નાચે એવા કોઈને બેસાડાશે એ નક્કી છે. તેને જીતાડવા માટે આ બધા ગોરખધંધા કરાશે જ. કૉંગ્રેસમાં જેમના માથે ચૂંટણી કરાવવાની જવાબદારી છે એ મધુસૂદન મિસ્ત્રી રાહુલના માનીતા છે. તેથી નહેરુ-ગાંધી ખાનદાનને માફક આવે એ રીતે જ આખો ખેલ પાર પડાશે તેમાં શંકા નથી. મિસ્ત્રીએ તમામ ઉમેદવારોને મતદાર યાદી મળી જશે એવો સધિયારો આપ્યો પણ છેલ્લાં દોઢ વર્ષથી પ્રમુખપદની ચૂંટણીનું ધમ્મરવલોનું ચાલે છે છતાં હજુ સુધી કેમ મતદાર યાદી તૈયાર નથી થઈ તેનો કોઈ ખુલાસો કર્યો નથી. 
પહેલાં ૧૯ સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણીની પ્રક્રિયા પાર પાડી દેવાશે એવું એલાન કરાયેલું. તેમાં પણ આખો મહિના વધારાનો ખેંચી કેમ દેવાયો તેનો પણ ખુલાસો કરાયો નથી.  કૉંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે દાવો કર્યો છે કે, પ્રમુખપદ માટે કોઈપણ વ્યક્તિ ઉમેદવારી નોંધાવી શકે છે અને માત્ર આપણા પક્ષમાં જ આ લોકશાહી છે. પણ કૉંગ્રેસીઓ જે રીતે વર્તી રહ્યા છે એ જોતાં લોકશાહીની મજાક ઉડી રહી છે.
કૉંગ્રેસ માટે પ્રમુખપદની ચૂંટણી મુક્ત અને ન્યાયી રાખીને પોતાની ઈમેજ સુધારવાની છેલ્લી તક છે. ભાજપ કૉંગ્રેસને સતત વંશવાદી પાર્ટી ગણાવ્યા કરે છે અને મતદારોને આ મુદ્દો અસર પણ કરે છે.  કૉંગ્રેસ માટે આ પ્રચારને ખાળવાનો શ્રેષ્ઠ રસ્તો નહેરુ-ગાંધી ખાનદાનની ચુંગાલમાંથી મુક્ત થવાનો છે. બુધવારે જ મનિષ તિવારી જેવા નેતાએ પણ આ પ્રમુખ પદની ચૂંટણી પારદર્શક હોવી જોઈએ તેવો મત જાહેરમાં વ્યક્ત કર્યો હતો.