પીઢ નેતા આઝાદની કૉંગ્રેસમાંથી વિદાય ભાજપને ફાયદો કરાવશે

September 03, 2022

કૉંગ્રેસ છોડવા માટે ક્યારના થનગન્યા કરતા ગુલામ નબી આઝાદે અંતે કોંગ્રેસને અલવિદા કહી દીધી છે. આઝાદને પાંચેક દિવસ પહેલાં જમ્મુ અને કાશ્મીરમાં કૉંગ્રેસની રાજકીય બાબતોની સમિતિના પ્રમુખ બનાવાયા હતા. પણ આઝાદને પોતાના કદ કરતાં પદ નાનું લાગ્યું તેથી તેમણે રાજીનામું આપી દીધુ હતુ.
છેલ્લા પાંચ દાયકાથી કૉંગ્રેસ સાથે જોડાયેલા આઝાદે કૉંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપી દેતા કોંગ્રેસ છાવણીમાં ખળભળાટ મચી ગયો હતો. જો કે, આઝાદનું આ પગલુ અપેક્ષિત જ હતુ. તેઓ ઘણાં સમયથી પાર્ટીના નિર્ણયો સામે જાહેરમાં નારાજગી વ્યક્ત કરતા હતા.
આઝાદના સમર્થનમાં જમ્મુ અને કાશ્મીરમાંથી કૉંગ્રેસમાંથી ધડાધડ રાજીનામાં પડી ગયા. એ જોતાં આઝાદ નવી પાર્ટીની રચના કરી શકે છે. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે લડાશે એ ખબર નથી પણ આઝાદે કૉંગ્રેસ છોડીને નવી પાર્ટી બનાવવાનું એલાન કર્યું તેના પરથી લાગે છે કે, બહુ જલદી વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ જશે. જમ્મુ અને કાશ્મીરમાં નવા સીમાંકનનો તખ્તો તૈયાર છે અને હવે ભાજપને અનુકૂળ આવે એવાં રાજકીય સમીકરણો પણ ગોઠવાઈ ગયાં છે.
આઝાદે પોતાનાં રાજીનામાના પાંચ પાનાના પત્રમાં રાહુલ ગાંધી સામે બહુ બળાપો કાઢ્યો છે.  આઝાદે એવી છાપ ઊભી કરવા પ્રયત્ન કર્યો છે કે, પોતે રાહુલ ગાંધીને કારણે થયેલી પાર્ટીની અવદશાથી દુ:ખી થઈને કૉંગ્રેસ છોડી રહ્યા છે પણ વાસ્તવમાં તેમણે પોતાના રાજકીય સ્વાર્થને ખાતર કૉંગ્રેસ છોડી છે. 
કૉંગ્રેસમાં તેમનું બોર્ડ પતી જ ગયેલું હતું અને ગમે તેટલા ઉધામા કરે તો પણ સોનિયા ગાંધી અને રાહુલની નજરમાં હીરો બનવાના નહોતા. જમ્મુ અને કાશ્મીરનાં રાજકીય સમીકરણો જોઈએ તો આઝાદે જમ્મુ અને કાશ્મીરમાં ભાજપની પહેલી સરકાર રચવાનો તખ્તો તૈયાર કરી દીધો છે. 
આ વાત કોઈને કહેતા ભી દીવાના ઓર સુનતા ભી દીવાના જેવી લાગશે પણ આ વાસ્તવિકતા છે. જમ્મુ અને કાશ્મીરના વિભાજનના ખરડા પ્રમાણે તેમાં ૭ બેઠકોનો વધારો થયો છે. ચૂંટણીપંચ નવું સીમાંકન કર્યું છે. તેના આધારે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની નવી ૧૧૪ બેઠકો બની છે. આ પૈકી કાશ્મીર ખીણમાં ૪૭ અને જમ્મુમાં ૪૩ બેઠકો છે જ્યારે પીઓકેની ૨૪ બેઠકો ખાલી રખાઈ છે. નવા સીમાંકન પછી સ્થિતિ બદલાશે અને જમ્મુ વિસ્તારની બેઠકો કાશ્મીર ખીણની બેઠકોની લગોલગ થઈ જશે, છતાં ખીણમાં ચાર બેઠકો વધારે છે. 
 કાશ્મીર ખીણમાં મુસ્લિમોની બહુમતી છે. બે-ચાર ટકા વસતીને બાદ કરતાં બાકીની વસતી મુસ્લિમોની જ છે. આ વિસ્તારમાં કાશ્મીરી પંડિતોની સારી એવી વસતી હતી પણ તેમને ભગાડી દેવાયા પછી હવે ત્યાં મુસ્લિમો જ બચ્યા છે. આ કારણે ભાજપ કાશ્મીર ખીણમાં વિધાનસભાની બેઠક જીતી શકતો નહોતો.
નવા સીમાંકન પછી પણ એ સ્થિતિ નહીં બદલાય તેથી કાશ્મીર ખીણમાં તેનો એક પણ ઉમેદવાર જીતશે કે કેમ તેમાં શંકા જ છે. આ સંજોગોમાં ભાજપ માટે સ્પષ્ટ બહુમતી સાથે સરકાર રચવું અઘરું છે કેમ કે બાકીના પક્ષો તો ગુપકર એલાયન્સના નામે ભાજપ સામે એક થઈ ગયા છે. 
આ સ્થિતિમાં ભાજપને ગુલામ નબી આઝાદ કામ આવશે. જમ્મુ ડિવિઝનમાં હિંદુ-શીખોની બહુમતી હોવાથી ભાજપ છવાયેલો છે. કલમ ૩૭૦ની નાબૂદી સહિતના નિર્ણયોના કારણે જમ્મુમાં બીજા પક્ષો ખાતું ખોલાવી શકશે કે કેમ તેમાં પણ શંકા છે.  હવે આઝાદની પાર્ટી કાશ્મીર ખીણમાંથી પાંચ-સાત બેઠકો લઈ આવે તો તેના ટેકાથી ભાજપ સરકાર બનાવી શકે તેમ છે.