‘પહલગામ હુમલાના ત્રણ દિવસ પહેલા PM મોદીને ગુપ્ત રિપોર્ટ મોકલાયો હતો’ ખડગેનો દાવો

May 06, 2025

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે (6 મે) કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ સંભવિત આતંકી હુમલાનો ત્રણ દિવસ પહેલા રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે કાશ્મીરની મુલાકાત રદ કરી દીધી હતી. 

 

મલ્લિકાર્જુન ખડગેએ રાંચીમાં એક રેલીમાં સંબોધન કરતા દાવો કર્યો છે કે, ‘વડાપ્રધાન મોદીને પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલાના ત્રણ દિવસ પહેલા ગુપ્ત રિપોર્ટ મોકલાયો હતો. આપણી ઈન્ટેલિજન્સ નિષ્ફળ ગઈ છે. સરકારે પણ તેનો સ્વિકાર કર્યો છે અને હવે તેમાં સુધારો કરશે. જો સરકાર હુમલા અંગે જાણતી હતી તો તેમણે કંઈ કેમ ન કર્યું? મારા ધ્યાને આવ્યું છે કે, વડાપ્રધાનને હુમલા અંગે ત્રણ દિવસ પહેલા ગુપ્ત રિપોર્ટ મોકલાયો હતો. ત્યારબાદ તેમણે કાશ્મીરની મુલાકાત રદ કરી હતી. મેં આ બાબત સમાચાર પત્રમાં વાંચી છે.’ 

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કરી 26 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, જેમાં મોટાભાગે પ્રવાસીઓ હતા. આ ઉપરાંત હુમલામાં 17 લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. હુમલા બાદ ભારત સરકારે આતંકી સંગઠનોને આશ્રય આપતા પાકિસ્તાન વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી છે. ભારતે સિંધુ જળ કરાર સસ્પેન્ડ કરવાની સાથે પાકિસ્તાન સાથે વિઝા સહિતના તમામ વ્યવહારો બંધ કરી દીધા છે, જ્યારે પાકિસ્તાને પણ ભારત માટે પોતાની એરસ્પેસ બંધ કરવાના સહિતના નિર્ણય લીધા છે. આ ઉપરાંત બંને દેશો વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.