બિહારમાં ભાજપના ઝંડાવાળી કાર વડે 3 પોલીસકર્મીને કચડ્યાં, મહિલા કોન્સ્ટેબલનું મોત

June 12, 2025

બિહારના પટનામાં મોડી રાત્રે વાહન ચેકિંગ દરમિયાન એક કારે ત્રણ પોલીસકર્મીઓને અડફેટે લીધા હતા. જેમાંથી એક મહિલા કોન્સ્ટેબલનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે બે પોલીસ ઇન્સ્પેક્ટર ઘાયલ થયા હતા. હાલ પોલીસે કારમાં સવાર બે શખસોની અટકાયત કરી છે. આ કાર પર ભાજપનો ઝંડો લગાવેલો હતો. જેના કારણે આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. 

અહેવાલો અનુસાર, પટનાના એસકે પુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અટલ પથ પર પોલીસના વાહન ચેકિંગ દરમિયાન એક કારે ત્રણ પોલીસકર્મીઓ ટક્કર મારી હતી. આ ઘટનામાં એસકે પુરી પોલીસ સ્ટેશનના એસઆઈ દીપક મણિ, એએસઆઈ અવધેશ કુમાર અને મહિલા કોન્સ્ટેબલ કોમલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મહિલા કોન્સ્ટેબલ કોમલનું મૃત્યુ નીપજ્યું હતું.

ઘટના બાદ પટણાના એસએસપી અવકાશ કુમાર હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલ પોલીસકર્મીઓની હાલત વિશે પૂછપરછ કરી હતી. નોંધનીય છે કે, પોલીસકર્મીઓને કચડી નાખ્યા બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે કારમાં સવાર અન્ય બે લોકોની અટકાયતમાં લીધા છે.