જમ્મુ-કાશ્મીરના પૂંછમાં મુસાફરોની બસ ખીણમાં ખાબકી, બેના મોત અનેક ઈજાગ્રસ્ત

May 06, 2025

જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં એક દુ:ખદ અકસ્માત સર્જાયો છે. અહીં મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે અને  20 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. અહેવાલો અનુસાર, બસ મેંઢર તરફ જઈ રહી હતી ત્યારે ખોડ ધારા નજીક ડ્રાઈવરે સ્ટેરિંગ કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. હાલ પોલીસ, સેના અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. ચોથી મેના રોજ જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના બેટરી ચશ્મા વિસ્તારમાં સેનાનું વાહન ઊંડી ખીણમાં ખબક્યું હતું. આ અકસ્માતમાં ત્રણ સૈનિકોના નિધન થયા હતા. મૃતકોની ઓળખ અમિત કુમાર, સુજીત કુમાર અને માન બહાદુર તરીકે થઈ હતી. સેનાનું વાહન જમ્મુથી શ્રીનગર જઈ રહેલા કાફલાનો ભાગ હતું. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે વાહન ખીણમાં ખબક્યું હતું. ઉલ્લેખનીય કે,10મી એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના મેંધાર વિસ્તારમાં ટાટા સુમો વાહન રસ્તા પરથી લપસીને ખીણમાં ખબકતા સાત મહિલાઓ સહિત નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.