નાયગ્રા ધોધ જોઈને પરત ફરનારા પ્રવાસીઓની બસને અકસ્માત, બે ભારતીય સહિત પાંચના મોત

August 24, 2025

ન્યૂયોર્ક - કેનેડાના નાયગ્રા ધોધથી પરત ન્યૂયોર્ક ફરી રહેલી ટૂર બસનો અકસ્માત થતાં એક ભારતીય સહિત પાંચ લોકોના મોત થયા છે. ન્યૂયોર્ક પરત જઈ રહેલી 54 મુસાફરોથી ભરેલી ટૂર બસને બફેલો નજીક પેમ્બ્રોકમાં ઈન્ટરસ્ટેટ 90 હાઈવે પર અકસ્માત નડ્યો હતો.

શુક્રવારે સર્જાયેલા આ અકસ્માતમાં પાંચ જણના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે અન્ય તમામ મુસાફરને નાની-મોટી ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં બિહારમાંથી 65 વર્ષીય શંકર કુમાર ઝા, ન્યૂ જર્સીના પિંકી ચાંગરાની (ઉ.વ.60), ચીનના ઝી હોંગઝુઓ (ઉ.વ.22), ન્યૂ જર્સીના જર્સી સિટીના રહેવાસી ઝાંગ ઝિયાઓલાન (ઉ.વ. 55) અને જિયાન મિંગલી (ઉ.વ. 56) તરીકે થઈ છે. આ ટૂર બસમાં મોટાભાગના મુસાફરો ભારતીય, ચીન અને ફિલિપિનોના હોવાનું ન્યૂયોર્ક પોલીસ કર્મી જેમ્સ ઓ'કેલાઘને જણાવ્યું હતું. 
શુક્રવારે બપોરે 12.22 વાગ્યે (સ્થાનિક સમય) બફેલો નજીક પેમ્બ્રોકમાં ઇન્ટરસ્ટેટ 90 પર આ જીવલેણ અકસ્માત થયો હતો. બસ નાયગ્રા ધોધની મુલાકાત લીધા બાદ ન્યૂયોર્ક પરત ફરી રહી હતી, જેમાં 54 લોકો સવાર હતા, જેમાં બસ કંપનીના બે કર્મચારી પણ હતા. બસ ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં હાઈવે પરથી ઉતરી ગઈ હતી અને બસ સીધી ખાડામાં પડી હતી. અકસ્માતના કારણે હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી. અકસ્માતના લગભગ આઠ કલાક બાદ રાત્રે 8.30 વાગ્યે ફરી ખોલવામાં આવ્યો હતો. જ્યારે પશ્ચિમ તરફ જતો રસ્તો સાંજે 5 વાગ્યા પછી ખોલવામાં આવ્યો હતો.