ઓનલાઇન ગેમમાં દેવું થતાં વડોદરામાં બે ATM તોડ્યા પણ સફળ ન થયા, ત્રિપુટી પકડાઈ

June 28, 2025

વડોદરાની આસપાસ ચાર દિવસમાં બે એટીએમ તોડવાનો પ્રયાસ થતા પોલીસે રાતોરાત લાખો રૂપિયા મેળવી લેવા એટીએમ ગેસ કટરથી એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર સરફરાજ સહિતની ત્રિપુટીને ઝડપી પાડી છે. વડોદરા પાસે સાકરદા ભાદરવા રોડ પર આવેલા ઇન્ડિયા વન બેંકના એટીએમને ગેસ કટરથી કાપવાનો પ્રયાસ થતા નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ ત્રણ દિવસ પછી મંજુસર જીઆઇડીસી પાસે આવી જ રીતે ઇન્ડિયા વનના વધુ એક એટીએમને કાપવાનો પ્રયાસ થયો હતો. એટીએમ તૂટવાના બનાવ અંગે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય વિગતો એકત્રિત કરવામાં આવી હતી. જેમાં એક જ ટોળકી સામેલ હોવાની પોલીસને શંકા થઈ હતી. આ દરમિયાન એક શંકાસ્પદ ઈકો વાનની પોલીસે તપાસ કરતા આ વાન ઠેકરનાથ સ્મશાન પાસે રહેતો સરફરાજ ઉપયોગ કરતો હોવાથી વિગતો ખુલી હતી. જેથી પોલીસે વોચ રાખી તેને ઝડપી પાડ્યો હતો.  પોલીસે વાનમાંથી સરફરાજ યાસીન હુસેન સૈયદ ઠેકરના સ્મશાન પાસે,અજબડી મિલ પાછળ), સોહમ કાલિદાસ માળી (સહકાર નગર, ઉકાજીના વાડિયા પાસે વાઘોડિયા રોડ) અને મનીષ મુકેશભાઈ સોલંકી (જીવણ નગર, બી.એસ.યુ.પી આવાસ, પ્રભાત નગર પાસે વાઘોડિયા રોડ) ને ઝડપી પાડી વાનમાંથી ગેસ કટર, સિલિન્ડર, કોસ અને ત્રણ મોબાઇલ કબજે કર્યા હતા. પોલીસની પૂછપરછ દરમિયાન ત્રિપુટીએ ઇન્ડિયા વન બેંકના બે એટીએમની નિશાન બનાવ્યા હોવાની પરંતુ તેમાં સફળતા નહીં મળતા બીજી યોજના બનાવી રહ્યા હોવાની વિગતો ખુલી હતી. ત્રિપુટીનો સૂત્રધાર સરફરાજને ઓનલાઇન ગેમમાં 15 લાખ રૂપિયાનું દેવું થઈ જતાં તેમજ લીધેલી લોનના હપ્તા પણ ચડી જતા રાતોરાત મોટો હાથ મારવા સોહમ અને મનીષની મદદ લીધી હોવાની માહિતી બહાર આવી હતી.