ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી : ઈન્ડિયા ગઠબંધનની તૈયારી શરૂ

August 10, 2025

9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી


દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન સાતમી સપ્ટેમ્બરે થવાનું છે. આ માટે શાસક પક્ષ અને વિપક્ષ બંને પોતપોતાના ઉમેદવારો પસંદ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આ દરમિયાન, એવા સમાચાર છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમણે ઉમેદવારના સંભવિત નામ પર ચર્ચા કરવા અને નામ પર સર્વસંમતિ મેળવવા માટે ગઠબંધનના તમામ સાથી પક્ષોનો સંપર્ક કરવાનો શરૂ કરી દીધો છે. મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, ઈન્ડિયા ગઠબંધનમાં એવી પ્રબળ સંભાવના છે કે, વિપક્ષોએ પરિણામની ચિંતા કર્યા વગર એક મજબૂત રાજકીય સંદેશ મોકલવા માટે મુકાબલાથી પાછળ ન હટવું જોઈએ.

તેમણે કહ્યું કે, ઉમેદવારની પસંદગી કરવા માટે કોઈ ચર્ચા થઈ નથી, પરંતુ ગઠબંધનના સાથી પક્ષો સાથે સંભવિત ઉમેદવારોના નામ પર ચર્ચા-વિચારણા કરવા માટે વાતચીત ચાલી રહી છે. ખડગે સર્વસંમતિ મેળવવા માટે વિપક્ષોનો સંપર્ક કરી રહ્યા છે. કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા મુજબ, ગઠબંધનના તમામ સાથી પક્ષો સંયુક્ત ઉમેદવાર ઉતારવા માટે સંમત થયા છે. જોકે વિપક્ષમાંથી કેટલાકનું માનવું છે કે, ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવ્યા બાદ જ ઈન્ડિયા ગઠબંધનને ઉમેદવારના નામ પર નિર્ણય કરવો જોઈએ.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડએ તાજેતરમાં 21 જુલાઈ, 2025ના રોજ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. આ કારણોસર, ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાઈ રહી છે. ચૂંટણીમાં સંસદના બંને ગૃહો, એટલે કે લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો (ચૂંટાયેલા અને નિયુક્ત બંને) ભાગ લે છે. આમાં રાજ્ય વિધાનસભાઓના સભ્યોનો સમાવેશ થતો નથી. બંને ગૃહોમાં વર્તમાનમાં સભ્યોની સંખ્યા 781 છે, ત્યારે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જીત મેળવવા માટે 391 મત મેળવવા જરૂરી છે.