અમે તો પુરાવા આપ્યા, હવે યોગી સાબિત કરે તે હિન્દુ છે નહીંતર...', શંકરાચાર્યએ માંડ્યો મોરચો

January 30, 2026

40 દિવસનું અલ્ટીમેટમ અને 'નકલી હિન્દુ' જાહેર કરવાની ધમકી


લખનઉ : ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને જ્યોતિષ્પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પ્રયાગરાજ માઘ મેળામાં સંગમ સ્નાન કર્યાં વિના જ કાશી પરત ફરેલા શંકરાચાર્યે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે સીધો મોરચો ખોલ્યો છે. શુક્રવારે કાશીના શ્રીવિદ્યામઠ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું હતું કે, 'મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મારી પાસેથી મારા પદ અને પરંપરાનું પ્રમાણપત્ર માંગ્યું હતું, જે મેં તેમને આપી દીધું છે. પરંતુ હવે હું સમગ્ર સનાતની સમાજ વતી યોગી આદિત્યનાથ પાસેથી તેમના હિન્દુ હોવાનું પ્રમાણ માંગું છું. હિન્દુ હોવું એ માત્ર ભાષણો કે ભગવા કપડાં સુધી સીમિત નથી, તેની સાચી કસોટી ગૌસેવા અને ધર્મરક્ષા છે.'


શંકરાચાર્યે સરકારને તેની નીતિઓ પર પુનર્વિચાર કરવા માટે 40 દિવસનો સમય આપ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે જો આ સમયગાળામાં ગૌમાતાને 'રાજ્યમાતા'નો દરજ્જો નહીં મળે અને ગૌવંશની નિકાસબંધીનો આદેશ જાહેર નહીં થાય, તો આગામી 10-11 માર્ચના રોજ લખનઉમાં સંત સમાગમ યોજીને મુખ્યમંત્રીને 'નકલી હિન્દુ' જાહેર કરવામાં આવશે. તેમણે પ્રહાર કરતાં કહ્યું કે 'જે સરકાર ગાયોની રક્ષા નથી કરી શકતી, તેને હિન્દુ કહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી.'
સરકાર પર ગંભીર આરોપ લગાવતા શંકરાચાર્યે કહ્યું કે, 'ભારતની કુલ માંસ નિકાસમાં ઉત્તર પ્રદેશનો હિસ્સો 40 ટકાથી વધુ છે. બફેલો મીટના નામે ગૌવંશને કાપીને મોકલવામાં આવે છે. જ્યાં સુધી દરેક કન્ટેનરનું વૈજ્ઞાનિક રીતે DNA પરીક્ષણ ફરજિયાત કરવામાં નહીં આવે, ત્યાં સુધી આ સરકારની મૌન સ્વીકૃતિ ગણાશે. જો મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ ગાયને સન્માન આપી શકે, તો રામ-કૃષ્ણની ધરતી યુપી કેમ માંસ નિકાસનું હબ બની છે?'