'અમે અમારી ઇચ્છા પ્રમાણે જ કરીશું...' રેસિપ્રોકલ ટેરિફની ડેડલાઇન અંગે ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન

June 28, 2025

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આયાત પર ફરીથી મોટા પાયે ટેરિફ લાદવાની ડેડલાઇન મુલતવી રાખી શકાય છે અથવા આગળ ધપાવી શકાય છે. હાલમાં, આ ડેડલાઇન 9 જુલાઈ સુધી નક્કી કરવામાં આવી છે. આ મામલે ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે અમેરિકા આ ડેડલાઇન ઘટાડી શકે છે અથવા તો લંબાવી પણ શકે છે. આ બધું અન્ય દેશો સાથેની વ્યાપારિક વાટાઘાટો કેવી રીતે ચાલે છે તેના પર આધાર રાખે છે. વ્હાઇટ હાઉસ ખાતે મીડિયા સાથે વાત કરતાં ટ્રમ્પે ખુલ્લી ચેતવણી આપી. તેમણે કહ્યું, 'અમે જ્યારે ઇચ્છીએ ત્યારે નિર્ણય બદલી શકીએ છીએ. અમે ટેરિફ ડેડલાઇનને મુલતવી રાખી શકીએ છીએ અથવા ઘટાડી પણ શકીએ છીએ. હું ઉતાવળ કરીને બધાને સીધો પત્ર મોકલવા માંગુ છું કે અભિનંદન, હવે તમે 25% ટેક્સ ચૂકવી રહ્યા છો.' ગયા અઠવાડિયે ઈરાન પરના હુમલા અને ટેક્સ બિલ વિશે અમેરિકામાં ચર્ચા ચાલી રહી હતી, હવે ટ્રમ્પ વહીવટીતંત્રે વેપાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગુરુવારે અમેરિકાએ યુરોપિયન યુનિયન સામે એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો, જ્યારે ભારતે પોતાનું પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન મોકલ્યું જેથી વેપાર વાટાઘાટો આગળ વધી શકે. ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલ 2025 માં લગભગ તમામ વિદેશી આયાત પર રેસિપ્રોકલ ટેરિફ સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત કરી હતી. આ હેઠળ, જે માલ પર 10%થી વધુ ટેરિફ લાદવાનો હતો તેને 90 દિવસની છૂટ આપવામાં આવી હતી જેથી દરેક દેશ પરસ્પર વાટાઘાટો દ્વારા કરાર કરી શકે. આ ડેડલાઇન 8 જુલાઇના રોજ પૂરી થઈ રહી છે.