અમે વોટ ચોરી થવા દઇશું નહીં', રાહુલ ગાંધીનો ફરી ચૂંટણી પંચ પર સવાલ

August 24, 2025

અરરિયા : બિહારના અરરિયામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આરજેડીના નેતા તેજસ્વી યાદવે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી અને ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ચૂંટણી પંચ પર આરોપ લગાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે અને ચૂંટણી પંચ આ અંગે મૌન છે.' જ્યારે તેજસ્વી યાદવે કહ્યું કે, 'ચૂંટણી પંચ હવે ગોદી પંચ બની ગયું છે અને ભાજપના કાર્યકર તરીકે કામ કરી રહ્યું છે.' વોટ ચોરી અંગે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'હવે કરોડો લોકો માને છે કે વોટ ચોરી થઈ છે. કર્ણાટક, મહારાષ્ટ્ર અને હરિયાણામાં અમારી પાર્ટીને વોટર લિસ્ટ પણ આપવામાં આવી નથી. અમે કર્ણાટકમાં બતાવ્યું કે વોટ કેવી રીતે ચોરી થાય છે. અમે બિહારમાં વોટ ચોરી થવા દઈશું નહીં.' ચૂંટણી પંચને સવાલો પૂછતા રાહુલ ગાંધીએ કહ્યું,'મેં કર્ણાટકના મહાદેવપુરા સંબંધિત ડેટા રાખ્યો હતો અને ચૂંટણી પંચને પૂછ્યું હતું કે 1 લાખ નકલી મતદારો ક્યાંથી આવ્યા? ચૂંટણી પંચનો જવાબ હજુ સુધી આવ્યો નથી. મારી પ્રેસ કોન્ફરન્સની વચ્ચે, ચૂંટણી પંચે મારી પાસે સોગંદનામું માંગ્યું. થોડા દિવસો પછી, ભાજપના અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સ કરી, પરંતુ ચૂંટણી પંચે તેમની પાસે સોગંદનામું માંગ્યું નહીં. મેં નકલી મતદારો વિશે વાત કરી, અનુરાગ ઠાકુરે પણ આ જ વાતનું પુનરાવર્તન કર્યું, પરંતુ ચૂંટણી પંચે તેમને સોગંદનામું ન માંગ્યું તે દર્શાવે છે કે ચૂંટણી પંચ તટસ્થ નથી.  સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) વોટ ચોરીની એક પદ્ધતિ છે. બિહારમાં 65 લાખ લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા, પરંતુ ભાજપ એક પણ ફરિયાદ કરી રહી નથી. આનું કારણ એ છે કે ચૂંટણી પંચ, ચૂંટણી કમિશનર અને ભાજપ વચ્ચે સાંઠગાંઠ છે.' જો કે, તેમણે બિહારમાં મુખ્યમંત્રીના ચહેરાના સવાલ પર મૌન જાળવી રાખ્યું હતું.
આરજેડીના નેતા તેજસ્વી યાદવે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, 'હવે ચૂંટણી પંચ એક ગોદી પંચ બની ગયું છે. તે ભાજપના કાર્યકર તરીકે કામ કરી રહ્યું છે. અમે જમીની સ્તરે ફર્યા છીએ અને ચૂંટણી પંચની વિશ્વસનીયતા સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે.'