બંજારા હિલ્સમાં મોમોઝ ખાવાથી મહિલાનું મોત, 50 લોકો બીમાર પડ્યા; બેની ધરપકડ

October 29, 2024

હૈદરાબાદના બંજારા હિલ્સમાં રોડ કિનારે આવેલા સ્ટોલ પરથી મોમોઝ ખાવાથી એક મહિલાનું મોત થયું છે અને અન્ય 50 લોકો બીમાર પડ્યા છે. કેટલાક પીડિતોએ સોમવારે બંજારા હિલ્સ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે અને મોમોઝ વેચતા બે લોકોની ધરપકડ કરી છે.

31 વર્ષીય રેશ્મા બેગમ, તેના બાળકો અને સાંગદકુંતા વસાહતના અન્ય કેટલાક લોકોએ શુક્રવારે મોમોઝ ખાધા હતા. શનિવારે તેમણે ઉલ્ટી અને ઝાડા થવાની ફરિયાદ કરી હતી. તેઓ સારવાર માટે બંજારા હિલ્સની વિવિધ હોસ્પિટલોમાં ગયા હતા. રેશ્મા બેગમની હાલત નાજુક બનતાં તેને નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત થયું હતું.

અધિકારીઓને શંકા છે કે મોમોઝ સિવાય મેયોનીઝ અને ચટણી પણ ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે. દરમિયાન, મુથારમ, પેદ્દાપલ્લી સ્થિત કસ્તુરબા ગાંધી ગર્લ્સ સ્કૂલની 36 વિદ્યાર્થિનીઓ ફૂડ પોઇઝનિંગને કારણે બીમાર પડી હતી. તમામને પેદ્દાપલ્લી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મેડિકલ ઓફિસર પ્રમોદ કુમારે જણાવ્યું કે તમામ વિદ્યાર્થીનીઓની હાલત સ્થિર છે.