મહિલા ક્રિકેટઃ 23 વર્ષ બાદ ઈંગ્લેન્ડની ધરતી પર વનડે સીરિઝમાં ભારતનો વિજય

September 22, 2022

નવી દિલ્હી, : ભારતની મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડમાં ઈતિહાસ સર્જ્યો છે. હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય ટીમે યજમાન ઈંગ્લેન્ડને બીજી વનડે મેચમાં 88 રનથી હરાવ્યું છે. આ સાથે જ ભારતીય ટીમે વનડે સીરિઝ પણ પોતાના નામે કરી લીધી છે. 

આમ ભારતીય મહિલા ટીમે 23 વર્ષના લાંબા સમયગાળા બાદ અંગ્રેજોની ધરતી પર ભારતને વનડે સીરિઝમાં જીત અપાવી છે. આગામી 24 સપ્ટેમ્બરના રોજ લોર્ડ્સ ખાતે સીરિઝની ફાઈનલ મેચ રમાશે અને ભારતીય ટીમની નજર હવે ક્લીન સ્વીપ પર છે. 

મેચમાં પહેલા બેટિંગ કરીને ભારતે નિર્ધારિત ઓવરમાં 5 વિકેટ પર 333 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લિશ ટીમ ભારતીય બોલર્સ સામે માત્ર 245 રન પર જ સમેટાઈ ગઈ હતી. 

વનડે ક્રિકેટમાં ભારતનો આ બીજો સૌથી મોટો સ્કોર છે. 2017માં ભારતે આયરલેન્ડ સામે વનડેના ઈતિહાસમાં સૌથી વધુ 358 રનનો સ્કોર બનાવ્યો હતો. ઈંગ્લેન્ડમાં ભારતનો આ સૌથી મોટો વનડે સ્કોર છે. 

આ સાથે જ હરમનપ્રીત કૌર 21મી સદીમાં ઈંગ્લેન્ડની ધરતી પર વનડે સીરિઝ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કેપ્ટન બની છે. ભારતે 23 વર્ષ બાદ ઈંગ્લેન્ડમાં વનડે સીરિઝમાં વિજય મેળવ્યો છે. અગાઉ 1999માં ભારત સીરિઝ જીત્યું હતું.