મેડલ ગંગામાં વહાવવા કુસ્તીબાજો હરિદ્વાર રવાના

May 30, 2023

પાણીપત  : રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ સિંહ સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો મંગળવારે સાંજે 6 વાગ્યે હરિદ્વારમાં તેમના મેડલ ગંગામાં વહાવશે, કેમ કે તે માતા ગંગા છે. જેટલી ગંગા નદી પવિત્ર છે, તેટલી જ પવિત્રતાથી અમે આ મેડલ પ્રાપ્ત કર્યા હતાં. આ મેડલ આખા દેશ માટે પવિત્ર છે અને તેને પવિત્ર રાખવાની યોગ્ય જગ્યા માતા ગંગા જ હોઈ શકે છે. આ કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશન (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ માટે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. રવિવારે પોલીસ સાથેની અથડામણ બાદ તેઓ જંતર-મંતરથી પરત ફર્યા હતા.

કુસ્તીબાજ સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે મેડલ ગંગામાં વહાવી દીધા પછી તેઓ ઈન્ડિયા ગેટ પર આમરણાંત ઉપવાસ કરશે. સાક્ષીએ લખ્યું- અમે પવિત્રતા સાથે આ મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ મેડલને પહેરાવીને તંત્ર માત્ર પોતાનો પ્રચાર કરે છે. પછી અમારું શોષણ કરે છે. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને આ મેડલ પાછા આપીશું નહીં, કેમ કે તેમણે અમારા અંગે કોઈ કાળજી લીધી નથી.

આ દરમિયાન બ્રિજભૂષણ શરણ સિંહે 5 જૂને અયોધ્યામાં મોટી સભા બોલાવી છે. જેમાં સંતો પણ ભાગ લેશે. બ્રિજભૂષણ અને સંતોનું કહેવું છે કે POCSO એક્ટનો ફાયદો ઉઠાવીને એનો દુરુપયોગ થઈ રહ્યો છે.