10,000 કરોડનો બંગલો લોસ એન્જલસની આગમાં ખાક

January 13, 2025

અમેરિકાના લોસ એન્જલ્સમાં લાગેલી ભીષણ આગથી અત્યારસુધી રૂ. 12 લાખ કરોડનું નુકસાન થયું છે. આ આગમાં કોઈનું આખુ ઘર બળીને ખાખ થઈ ગયું છે. પાર્કિંગમાં ઉભેલી હજારો કાર એક સાથે આગમાં ભડથું થઈ છે. આ ભીષણ આગમાં હોલિવૂડના સેલિબ્રિટિઝ અને ધનિક બિઝનેસમેનના હજારો કરોડના બંગલો નષ્ટ પામ્યા છે.

ટેક્નોલોજી કંપની લ્યુમિનાર ટેક્નોલોજીના સીઈઓ ઓસ્ટિન રસેલનું ઘર પણ આગમાં સ્વાહા થયુ છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

ઓસ્ટિન રસેલનો 18 બેડરૂમનો બંગલોની કિંમત રૂ. 10770 કરોડ (125 મિલિયન ડોલર) છે. આ બંગલો આગમાં બળીને રાખ થયો છે. જેનું આકર્ષક ફર્નિચર પણ ભડભડ બળી ગયું છે. 2023માં આ બંગલોની ચર્ચા થઈ હતી. જેનું ભાડું રૂ. 4 કરોડ પ્રતિ માસથી પણ વધુ હતું. આ બંગલોની અંદર એક થિયેટર પણ છે. બે પેનિક રૂમ, રૂફટોપ ડેક, સ્પા અને કાર ગેલેરી પણ હતી. 

અમેરિકામાં લાગેલી ભીષણ આગ પર હજી સુધી કાબૂ મેળવાયો નથી. ફાયર ડિપાર્ટમેન્ટના ચીફ ક્રિસ્ટિન ક્રાઉલીએ જણાવ્યું હતું કે, શહેરના નેતાઓએ અમારા વિભાગના બજેટમાં ઘટાડો કર્યો હતો. જેના લીધે અમારી પાસે આગ બૂઝાવવાના પર્યાપ્ત સાધનો નથી. અમારા વિભાગના કર્મચારીઓને તે તમામ ચીજો મળી રહી નથી. જે ફાયર બ્રિગેડમાં નોકરી કરવા માટે જરૂરી છે. શહેરના મેયર કેરને પણ જણાવ્યું હતું કે, આ કપરી આર્થિક સ્થિતિમાં બજેટ ઘટાડવામાં આવ્યું છે. શહેરના સત્તાધીશોએ ફાયર ડિપાર્ટમેન્ટના બજેટમાં 17 મિલિયન ડોલરનો ઘટાડો કર્યો હતો. જેના લીધે ભીષણ આગનો સામનો કરવા માટે પર્યાપ્ત સાધનોની અછત વર્તાઈ છે.