તમિલનાડુની થેની સબ-જેલમાંથી ગાર્ડ પર હુમલો કરી ભાગેલા 17 પૈકી 13 કેદી ઝડપાયા, 9 જેલકર્મી સામે કાર્યવાહી

October 28, 2026

ચેન્નઈ: તમિલનાડુના થેની જિલ્લાની સબ-જેલમાંથી સુરક્ષા ભેદીને ફરાર થયેલા 17 કેદીઓ પૈકી 13 કેદીઓને પોલીસે ફરી ઝડપી લીધા હતા. આ ગંભીર ઘટનામાં ફરજ દરમિયાન બેદરકારી દાખવવા બદલ 9 જેલ-કર્મચારીઓને ફરજમોકૂફ કરવામાં આવ્યા હતા.આ ઘટના અંગે મળતી વિગત મુજબ, 26 ઓક્ટોબરની રાત્રે જેલમાં બંધ એક કેદીએ ગંભીર બીમારીનું નાટક કર્યું હતું. જેલનો ગાર્ડ તપાસ માટે અંદર ગયો ત્યારે અન્ય કેદીઓએ તેના પર હુમલો કરી મુખ્ય દરવાજાની ચાવીઓ ઝૂંટવી લીધી હતી અને 17 કેદીઓ જેલમાંથી નાસી છૂટ્યા હતા.

બીજી તરફ, આ બનાવ બાદ પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષકે જેલની મુલાકાત લીધી હતી. ફરાર કેદીઓને પકડવા માટે 17 વિશેષ ટુકડીઓની રચના કરી કેરલમ પોલીસ સાથે સંયુક્ત અભિયાન હાથ ધરાયું હતું.તપાસ દરમિયાન જંગલમાં છુપાયેલા આરોપીઓને શોધવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે રિક્ષામાં બેસીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા એક કેદીને પોલીસે રસ્તામાં જ દબોચી લઈ પાછો જેલભેગો કર્યો હતો.