અર્નબ' વાવાઝોડાથી આંધ્રપ્રદેશ-ઓડિશામાં તબાહી: દેશના 6 રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર

October 28, 2026

દેશના અનેક રાજ્યોમાં 'અર્નબ' ચક્રવાતી વાવાઝોડાની ગંભીર અસર વર્તાઈ રહી છે, જેના પગલે ઓડિશા, આંધ્રપ્રદેશ અને છત્તીસગઢમાં ભારે પવન સાથે મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. આંધ્રપ્રદેશ અને ઓડિશામાં વાવાઝોડાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે, જ્યાં આંધ્રપ્રદેશના અનેક જિલ્લાઓમાં બુધવાર સવારથી જ આંધી-તોફાન અને ભારે વરસાદથી વૃક્ષો તથા વીજળીના થાંભલા તૂટી પડ્યા છે. કાકીનાડાના દરિયાકાંઠાના રહેણાંક વિસ્તારોમાં દરિયાના પાણી ઘરોમાં ઘૂસી જતાં તબાહી સર્જાઈ છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

બીજી તરફ, હવામાન વિભાગે ભારે વરસાદને પગલે આંધ્રપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના યનમમાં રેડ એલર્ટ, જ્યારે ઝારખંડ, તેલંગાણા અને મધ્યપ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર, 28 ઓક્ટોબરે આંધ્રપ્રદેશ અને છત્તીસગઢમાં 100 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે, જ્યારે છત્તીસગઢમાં ગાજવીજ સાથે પવનની ગતિ 60-70 કિમીથી વધીને 80 કિમી સુધી પહોંચવાની આશંકા છે. આ ઉપરાંત તેલંગાણામાં 60-70 કિમી અને ઝારખંડ સહિત આસપાસના રાજ્યોમાં 50-60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

વધુમાં, વાવાઝોડાની અસર હેઠળ આજથી 31 ઓક્ટોબર સુધી અંદમાન અને નિકોબાર ટાપુઓ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ગાંગેય પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં સારો વરસાદ વરસી શકે છે. જ્યારે બિહારમાં 30-40 કિમીની ઝડપે પવન સાથે વ્યાપક વરસાદની સંભાવના છે, તેમજ પશ્ચિમ અને પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને 30 ઓક્ટોબરે વિદર્ભમાં પણ વરસાદ પડી શકે છે.

જ્યારે પહાડી અને ઉત્તરીય રાજ્યોમાં 28-30 ઓક્ટોબર દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં તથા 29 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. આ સાથે જ 29 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન પંજાબમાં અને 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન હરિયાણા, ચંદીગઢ તથા દિલ્હીમાં હળવો વરસાદ થઈ શકે છે, જ્યારે 29-30 ઓક્ટોબરે આ ચારેય વિસ્તારોમાં કેટલાક સ્થળોએ કરા સાથે વરસાદ પડવાની સંભાવના છે.