ઝિમ્બાબ્વેમાં કરીબા તળાવમાં ભયાનક મોજાના કારણે 95 મુસાફરો ભરેલી બોટ ડૂબતા 15નાં મોત, 20થી વધુ લાપતા

August 12, 2026

ઝિમ્બાબ્વેમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. કરીબા તળાવમાં લોકોને લઈને જતી એક બોટ અચાનક પલટી ગઈ હતી. આ બોટમાં કુલ 95 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં કુલ 15 લોકોના મોત થયા છે જ્યારે 20થી વધુ લોકો હજી પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

વિગતે વાત કરીએ તો કરીબા તળાવમાં બોટિંગ દરમિયાન આ બોટ પલટી ગઈ હતી. મૃતકોમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. મૃતકોના મૃતદેહને બહાર કાઢી લેવાયા છે જ્યારે લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે. લાપતા લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું છે અને લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

પોલીસે જણાવ્યું કે ઝિમ્બાબ્વેના ઉત્તરી શહેર કરીબાથી દ્વીપ સુધી જવા માટે બોટ દ્વારા મુસાફરી કરાય છે. માછીમારી માટે પણ અહીં અવરજવર રહેતી હોય છે. હવામાન ખરાબ હોવા છતાં બોટ મુસાફરોને લઈને નીકળી હતી. તળાવની વચ્ચે પહોંચતા જ ભયાનક મોજાના કારણે બોટ પલટી ગઈ હતી. બોટમાં 5 ક્રૂ મેમ્બર અને 95 મુસાફરો સવાર હતા.

આ દરમિયાન આસપાસ બોટિંગ કરી રહેલા લોકો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. પોલીસને પણ જાણ કરાઈ હતી. હાલમાં હેલિકોપ્ટર અને સેનાની મદદથી બચાવકાર્ય ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 60 લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે અને બાકીના લોકોની શોધખોળ ચાલુ છે.