એવો દેશ જ્યાં એઈડ્સને કારણે નેશનલ ઈમરજન્સી જાહેર, ભારતે મોકલી HIVની 10 ટન દવા

September 19, 2026

દુનિયાના અનેક દેશોમાં HIV/AIDS હજુ પણ જાહેર આરોગ્ય માટે મોટો પડકાર બનેલો છે. તાજેતરમાં જ ફિજી સરકારે દેશમાં સતત વધી રહેલા ચેપના કેસોને ગંભીરતાથી લઈને એઇડ્સ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. આવા કપરા વૈશ્વિક સંજોગો વચ્ચે ભારતે આફ્રિકન દેશ બોત્સ્વાનાની જાહેર આરોગ્ય પ્રણાલીને મજબૂત કરવા માટે HIV/AIDSની સારવારમાં ઉપયોગી એવી આશરે 10 ટન એન્ટી-રેટ્રોવાયરલ (ARV) દવાઓનો મોટો જથ્થો મોકલીને વૈશ્વિક સ્વાસ્થ્ય સહયોગ પ્રત્યે પોતાની અડગ પ્રતિબદ્ધતા દર્શાવી છે. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આ સહાયની પુષ્ટિ કરતાં જણાવ્યું કે ભારતે બોત્સ્વાનાના પબ્લિક હેલ્થ સિસ્ટમને ટેકો આપવા માટે 10 ટન ARV દવાઓ રવાના કરી છે. તેમણે આ પગલાને ગ્લોબલ સાઉથના ભાગીદાર દેશો સાથે આરોગ્ય ક્ષેત્રે પરસ્પર સહયોગ વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ કદમ ગણાવ્યું છે. વિકાસશીલ દેશો જ્યારે ચેપી રોગો અને સંસાધનોની તંગી સામે ઝઝૂમી રહ્યા છે, ત્યારે ભારતની ફાર્માસ્યુટિકલ ક્ષમતા વૈશ્વિક આરોગ્ય સુરક્ષામાં નિર્ણાયક સાબિત થઈ રહી છે. આ જીવનરક્ષક કન્સાઇનમેન્ટનું નિર્માણ હરિયાણાના અંબાલા સ્થિત 'મેકનીલ એન્ડ આર્ગસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ' દ્વારા કરવામાં આવ્યું છે. કંપનીના ચેરમેન ડૉ. ભાઈ જી.ડી. છિબ્બરે આ પગલાને અંબાલા અને સમગ્ર ભારત માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે દર્દીઓની સલામતી અને દવાઓની અસરકારકતા સુનિશ્ચિત કરવા માટે તમામ કડક ગુણવત્તા પરીક્ષણો અને નિયમનકારી ધોરણો પૂર્ણ કર્યા બાદ જ આ સપ્લાય રવાના કરવામાં આવી છે. HIV વાયરસ સીધો માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે, જે સમયસર સારવાર ન મળે તો જીવલેણ એઇડ્સમાં ફેરવાઈ જાય છે. એન્ટી-રેટ્રોવાયરલ દવાઓ વાયરસને સંપૂર્ણ નાબૂદ કરતી નથી, પરંતુ શરીરમાં તેના ફેલાવાને મોટા પ્રમાણમાં નિયંત્રિત કરી દે છે. એન્ટી-રેટ્રોવાયરલ થેરાપી થકી સંક્રમિત દર્દીઓ લાંબુ અને સામાન્ય સ્વસ્થ જીવન જીવી શકે છે અને ગંભીર જોખમો ટળે છે, જેથી ભારે સંક્રમણ ધરાવતા દેશો માટે આ દવાની ઉપલબ્ધતા જીવનરેખા સમાન હોય છે.