નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું

September 18, 2026

હરિદ્વાર : નોઈડાના ચર્ચાસ્પદ નિઠારી હત્યાકાંડના તમામ કેસોમાંથી મુક્ત થઈ ચૂકેલા સુરેન્દ્ર કોલીએ હરિદ્વારમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. કોર્ટે તેને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યો હતો, જેના થોડા સમય બાદ તેણે પોતાની ચાની દુકાનમાં શંકાસ્પદ સંજોગોમાં જીવન ટૂંકાવી લીધું છે.

શહેર કોતવાલી વિસ્તારના ભૂપતવાલામાં સુરેન્દ્ર કોલી (Surender Koli) રહેતો હતો અને ત્યાં ચાની દુકાન ચલાવતો હતો. શુક્રવારે સવારે આશરે 11:30 વાગ્યે પોલીસને જાણ થઈ કે દુકાનમાં દોરડું બાંધીને એક વ્યક્તિએ ફાંસો લગાવી લીધો છે. એસએચઓ કુંદન સિંહ રાણા અનુસાર, ઘટનાસ્થળેથી મળેલા ઓળખપત્ર પરથી મૃતકની ઓળખ નિઠારી કેસના આરોપી તરીકે થઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે.

આ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે ઓક્ટોબર 2023માં સુરેન્દ્ર અને મોનિન્દર સિંહ પંઢેર (Moninder Singh Pandher)ને 12 કેસોમાંથી નિર્દોષ મુક્ત કર્યા હતા. એક કેસમાં હાઈકોર્ટે સુરેન્દ્રની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી હતી. જોકે, 11 નવેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટે પણ નબળા સાક્ષીઓ અને કાયદાકીય કસોટીમાં ન ટકી શકે તેવા પુરાવાઓને કારણે તેને છેલ્લા કેસમાંથી દોષમુક્ત કરી દીધો હતો. પંઢેર પણ નિર્દોષ જાહેર થયા બાદ જુલાઈ 2025માં જેલમાંથી બહાર આવી ચૂક્યો હતો.

પોલીસ અને સીબીઆઈ અદાલતમાં મજબૂત ફોરેન્સિક કે વૈજ્ઞાનિક પુરાવા રજૂ કરી શક્યા ન હતા. એજન્સીઓની ઢીલી તપાસ અને પુરાવાઓના વિરોધાભાસનો સીધો ફાયદો આરોપીઓને મળ્યો હતો. આરુષિ હત્યાકાંડની જેમ જ નિઠારી કેસમાં પણ 19 નિર્દોષ બાળકોનો અસલી ગુનેગાર કોણ હતો તે સવાલ હંમેશા માટે એક વણઉકેલાયેલું રહસ્ય બની ગયો છે, અને પીડિત પરિવારોને ક્યારેય ન્યાય મળી શક્યો નહીં.


વર્ષ 2005-06 દરમિયાન નોઈડાના નિઠારી વિસ્તારમાંથી બાળકો અને મહિલાઓ અચાનક ગુમ થવા લાગ્યા હતા. તપાસ દરમિયાન 29 ડિસેમ્બર 2006ના રોજ પોલીસ સેક્ટર-31 સ્થિત ડી-5 કોઠી સુધી પહોંચી હતી. આ બંગલાના પાછળના નાળામાંથી માનવ હાડપિંજર, ખોપડીઓ અને કપડાં મળી આવ્યા હતા. જાન્યુઆરી 2007માં કેસ સીબીઆઈને સોંપાયો, જેમાં અપહરણ, દુષ્કર્મ, પુરાવા નાશ કરવા અને હત્યાની 16 ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં 30 વર્ષની વયે પકડાયેલા નોકરને અગાઉ ઘણી વખત નીચલી અદાલતો દ્વારા ફાંસીની સજા સંભળાવાઈ હતી, જે અંતે પુરાવાના અભાવે રદ થઈ ગઈ હતી.