રશિયા પર 1000થી વધુ ડ્રોન દ્વારા એટેક, મોસ્કોમાં ભારે તબાહી

September 20, 2026


મોસ્કો ઃ રશિયામાં ચાલી રહેલી સંસદીય ચૂંટણીના આખરી અને ત્રીજા દિવસે મોસ્કો સ્થિત એક મોટી ઓઇલ રિફાઇનરી પર શક્તિશાળી ડ્રોન હુમલો થયો છે. આ હુમલાને કારણે રિફાઇનરી પરિસરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને દૂર સુધી ધુમાડાના ગોટેગોટા તેમજ વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને આ હુમલાની પુષ્ટિ કરી છે, જોકે આ ઘટનામાં જાનહાનિને લઈને અલગ-અલગ દાવાઓ સામે આવ્યા છે. રશિયન અધિકારીઓ આ હુમલા પાછળ યુક્રેનનો હાથ હોવાનો સીધો આરોપ લગાવી રહ્યા છે.


બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સ્કીએ આડકતરી રીતે આ કાર્યવાહીની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે મોસ્કો ક્ષેત્રમાં યુક્રેનની લાંબા અંતરની સૈન્ય કાર્યવાહીનું રશિયા પર ઊંડું પરિણામ આવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે આ કાર્યવાહીમાં રશિયાના એક મહત્વપૂર્ણ તેલ ઉદ્યોગ અને લૉજિસ્ટિક્સ સેન્ટરને નિશાન બનાવવામાં આવ્યું છે, જે રશિયન સૈન્ય મશીનને આર્થિક રીતે મદદ કરે છે. આ અભિયાનમાં અદ્યતન ડ્રોન સિસ્ટમ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.