યુક્રેન સામે રશિયા તરફે યુદ્ધ લડવા ગયેલા ભારતના 26 જવાનો શહીદ

December 21, 2025

દિલ્હીં ઃ રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. ભારત સરકારના જણાવ્યાનુસાર, આ યુદ્ધમાં રશિયાની સેના સાથે લડવા માટે 200થી વધુ ભારતીય નાગરિકોએ ભરતી કરી છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નોના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, ફેબ્રુઆરી 2024થી કુલ 202 ભારતીય નાગરિકો રશિયાના સશસ્ત્ર દળોમાં જોડાયા છે. જો કે, રાહતની વાત છે કે આમાંથી 119 ભારતીયોને વહેલી રજા આપવામાં આવી છે અને તેમને પાછા લાવવામાં આવ્યા છે.


વિદેશ મંત્રાલયે આપેલી માહિતી અનુસાર, રશિયા- યુક્રેન વચ્ચેના યુદ્ધમાં 26 ભારતીય નાગરિકો માર્યા ગયા છે, જ્યારે સાત ગુમ છે. વધુમાં, સરકાર રશિયન સેનામાં સેવા આપી રહેલા 50 ભારતીયોને શક્ય તેટલી વહેલી તકે મુક્ત કરવા માટે કામ કરી રહી છે. મૃત્યુ પામેલા 10 ભારતીયોના મૃતદેહ પાછા લાવવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે ભારત સરકાર રશિયાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. ભારતીય નાગરિકોની સલામતી, સુખાકારી અને વહેલી મુક્તિ અંગે રશિયા સાથે તમામ સ્તરે ચર્ચા ચાલી રહી છે. આમાં બંને દેશોના નેતાઓ, મંત્રીઓ અને અધિકારીઓ વચ્ચે ચર્ચાનો સમાવેશ થાય છે. મૃત અથવા ગુમ થયેલા 18 ભારતીયોના ડીએનએ નમૂનાઓ મૃતકોની ઓળખ માટે રશિયાના અધિકારીઓને સોંપવામાં આવ્યા છે.