પાકિસ્તાનના કરાચી એરપોર્ટ બહાર વિસ્ફોટમાં 3નાં મોત, 8 ઈજાગ્રસ્ત

October 08, 2024

પાડોશી દેશ પાકિસ્તાનમાં છેલ્લા ઘણા દિવસોથી સ્થિતિ તંગ બનેલી છે. એવામાં પાકિસ્તાનના મોટા શહેર કરાચી એરપોર્ટ બહાર એક ભીષણ વિસ્ફોટ થતા ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે આઠ લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાનના સૌથી મોટા એરપોર્ટ બહાર એક ટેન્કરમાં આ બ્લાસ્ટ થયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ, બોમ્બ સ્કવોડ અને મેડિકલ ટીમ પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

કરાચી શહેરના એરપોર્ટ બહાર થયેલા બોમ્બ વિસ્ફોટ અંગે પ્રાંતીય ગૃહમંત્રીએ જણાવ્યું કે, આ હુમલો વિદેશીઓને ટાર્ગેટ બનાવીને કરવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલયના અધિકારીના જણાવ્યા પ્રમાણે આ હુમલો ચીની નાગરિકો પર કરવામાં આવ્યો હતો. જેમાંથી એક ઈજાગ્રસ્ત થયો છે. પાકિસ્તાનમાં હજારો ચીની કર્મચારીઓ છે, જેમાંથી મોટાભાગના બેઈજિંગના અબજો ડોલરની બેલ્ટ એન્ડ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે. જે પાકિસ્તાનના દક્ષિણ અને મધ્ય એશિયાને ચીનની રાજધાની બેઈજિંગ સાથે સાંકળે છે.

કરાચી એરપોર્ટ બહાર થયેલા બોમ્બ વિસ્ફોટ પછી બહાર પાડવામાં આવેલ વીડિયોમાં, કારમાં આગની જ્વાળાઓ જોઈ શકાય છે અને એરપોર્ટની બહારથી ધૂમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળે છે. મળતી માહિતી અનુસાર, ઓઈલ ટેન્કરમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો.એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, આ વિસ્ફોટ અંગેનું કારણ શોધી રહ્યા છીએ. તેમાં સમય લાગી શકે છે." તેમણે કહ્યું કે ઘાયલોમાં પોલીસ અધિકારીઓ પણ સામેલ છે.