શેરબજારમાં 750 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને 3.5 લાખ કરોડથી વધુ નુકસાન

February 24, 2025

શેરબજારમાં સતત પાંચમાં દિવસે મંદી યથાવત રહેતા સેન્સેક્સ નિફ્ટીમાં સપ્તાહના પહેલા જ દિવસે મોટો કડાકો બોલાયો છે. સેન્સેક્સ 750 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 75000નું સપોર્ટ લેવલ તોડી 74500 સુધી તૂટ્યો હતો, જે 9 મહિનાની સૌથી નીચી સપાટી છે અને શેરબજારમાં મંદી આગળ ધપવાના સંકેત આપે છે. એનએસઇ નિફ્ટી પણ 190 પોઇન્ટના ઘટાડે ખુલ્યો હતો. ઓટો શેરને બાદ કરતા તમામ બ્લુચીપ સ્ટોક અડધાથી 3 ટકા સુધી ડાઉન હતા.

સેન્સેક્સ સતત પાંચમાં દિવસે ઘટ્યો છે. સેન્સેક્સ પાછલા બંધ 75311 સામે 4180 પોઇન્ટના નીચા ગેપમાં આજે 74893 ખુલ્યો હતો. ઓટો શેરને બાદ કરતા તમામ બ્લુચીપ શેરમાં વેચવાલી રહેલા સેન્સેક્સ 75000 સપોર્ટ લેવલ તોડી ડેન્ઝર ઝોનમાં પ્રવેશી ગયું છે. સવારના સેશનમાં જ સેન્સેક્સ 750 પોઇન્ટથી વધુ તૂટ્યો અને નીચામાં 74554 સ્પર્શ્યો હતો, જે 5 જૂન, 2024 પછીનું સૌથી નીચું લેવલ છે.

શેરબજારમાં સતત ઘટાડાથી રોકાણકારોને જંગી નુકસાન થયું છે. આજે સેન્સેક્સ સવારના સેશનમાં જ 750 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો. પરિણામ બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટવેલ્યૂએશન ઘટીને 398.35 લાખ કરોડ રૂપિયા થઇ હતી. જ્યારે પાછલા સપ્તાહે શુક્રવારે શેરબજાર બંધ થતા બીએસઇની માર્કેટકેપ 420.20 લાખ કરોડ રૂપિયા હતા. આમ આજે સવારમાં શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં 3.5 લાખ કરોડથી વધુ ધોવાણ થયું છે.