ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ

September 22, 2026

રાજસ્થાનના નાગોર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને એક મોટી અને શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. પાર્ટીના તમામ કાઉન્સિલરએ ક્રોસ વોટિંગ કરતાં ચેરમેન પદના ઉમેદવારને એક પણ મત મળ્યો નહોતો. જેના કારણે શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી ખુબ જ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઇ હતી. રાજસ્થાનના અજમેર અને પાલી કોર્પોરેશનમાં ભાજપ દ્વારા સરકાર બનાવવાની ખબરો સામે આવી હતી, પરંતુ જયપુરથી આશરે 250 કિલોમીટર દૂર આવેલા નાગોરની મુંડવા નગરપાલિકામાં સ્થિતિ એકદમ વિપરીત રહી હતી. જિલ્લાની મુંડવા નગરપાલિકામાં સૌથી મોટો પક્ષ હોવા છતાં ભાજપ માત્ર પોતાનો ચેરમેન બનાવવામાં જ નિષ્ફળ ન રહી, પરંતુ શરમજનક સ્થિતિનો પણ સામનો કરવો પડ્યો. અહીં ભાજપના તમામ કાઉન્સિલરએ ક્રોસ વોટિંગ કર્યું હતું અને ભગવા દળના ચેરમેન પદના ઉમેદવારને એક પણ મત પ્રાપ્ત થયો નહોતો. મુંડવા નગરપાલિકામાં ચેરમેન પદ માટે યોજાયેલા મતદાનમાં કોંગ્રેસ અને હનુમાન બેનીવાલની રાષ્ટ્રીય લોતાંત્રિક પાર્ટી(આરએલપી)એ બાજી મારી લીધી હતી. કુલ 25 બેઠકોવાળી આ નગરપાલિકામાં ભાજપ શૂન્ય પર સિમીત રહી ગઈ અને કોંગ્રેસ-આરએલપી ગઠબંધનને એક જ મતથી વિજય પ્રાપ્ત થયો હતો. કોંગ્રેસ અને આરએલપીના સંયુક્ત ઉમેદવાર અલકા દેવી કંડોઈને 13 મત મળ્યા અને તેઓ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા. બીજી તરફ, અપક્ષ ઉમેદવાર ઘનશ્યામ સદાવાત માત્ર એક મતથી હારી ગયા, જેમને કુલ 12 કાઉન્સિલરના મત મળ્યા હતા. ભાજપમાંથી ટિકિટ ન મળતાં બળવો કરનાર સદાવાતે અપક્ષ ચૂંટણી લડી હતી. મુંડવા નગરપાલિકામાં કુલ 25 વૉર્ડ આવેલા છે, જેમાં ચૂંટણી દરમિયાન ભાજપે સૌથી વધુ 10 વૉર્ડ પર વિજય મેળવ્યો હતો. જ્યારે આરએલપીને 7, કોંગ્રેસને 3 અને અપક્ષોને 5 બેઠકો મળી હતી. કોંગ્રેસ અને આરએલપીએ હાથ મિલાવીને અલકા દેવીને પોતાના સંયુક્ત ઉમેદવાર બનાવ્યા હતા. ગઠબંધન પાસે કુલ 10 મત હોવા છતાં અલકા દેવીને 13 મત મળ્યા, જેનો અર્થ સ્પષ્ટ છે કે અપક્ષ અથવા ભાજપના કેટલાક કાઉન્સિલરએ પણ તેમને મત આપ્યા હતા. ભાજપે ગીતા દેવીને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેમને એક પણ મત મળ્યો નહોતો.