વર્તમાન રાજકારણના બે દિગ્ગજો વચ્ચે બંધ બારણે યોજાઈ બેઠક, કયા મુદ્દે વાતચીત થઈ ?

December 15, 2025

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને જન સુરાજ પાર્ટીના તમામ ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થયા બાદ ચૂંટણીના ચાણક્ય કહેવાતા પ્રશાંત કિશોરે ફરી રાજનીતિનો પારો હાઇ કર્યો છે. આ વખતે તેમની બંધ બારણે પ્રિયંકા ગાંધી સાથે થયેલી મુલાકાત ચર્ચાનો વિષય બની છે. સૂત્ર પ્રમાણે આ બેઠક બે કલાક જેટલી લાંબી ચાલી હતી. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે બિહાર ચૂંટણીમાં જન સુરાજ પાર્ટીનું પ્રદર્શન એકદમ નબળું રહ્યું. પાર્ટી 238 બેઠક પર ચૂંટણી લડી હતી, પણ એક પણ બેઠક જીતી શકી ન હતી. નવાઈની વાત તો એ છે કે 236 ઉમેદવારોની તો ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી. બીજી તરફ કોંગ્રેસ પણ કાઠું કાઢી શકી ન હતી. કોંગ્રેસ 61 બેઠકમાંથી માત્ર 6 બેઠક જ જીતી શકી હતી. તેવામાં બંને નબળી પાર્ટીઓના નેતાઓની આ મુલાકાત અનેક સવાલ ઊભા કરે છે.  પ્રશાંત કિશોર અને ગાંધી પરિવારના સંબંધ જૂના છે. 2021માં જેડીયુથી અલગ થયા બાદ પ્રશાંત કિશોર જ કોંગ્રેસ નેતૃત્વ સામે પાર્ટીને ઊભી કરવાની એક બ્લૂપ્રિન્ટ રાખી હતી. એપ્રિલ 2022માં સોનિયા ગાંધીના નિવાસસ્થાને એક મોટી બેઠક મળી હતી જેમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર હતા. એ સમયે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં ભળવા તૈયાર હતા, પણ પાર્ટીએ તેમણે 'એમ્પાવર્ડ એક્શન ગ્રૂપ'નો હિસ્સો બનવાનું કહેતા મામલો ડખે ચડ્યો હતો.  આ પ્રસ્તાવથી કોંગ્રેસ અને પ્રશાંત કિશોર વચ્ચે વાત બગડી ચૂકી હતી. કિશોર સીમિત ભૂમિકા સ્વીકારવા તૈયાર ન હતા, જે તે વખતે તે ખૂલીને બોલ્યા હતા કે કોંગ્રેસને વ્યક્તિ નહીં પણ નેતૃત્વ અને સંરચાનામાં સુધારાની જરૂર છે. તે બાદ બંનેના રસ્તાઓ અલગ થઈ ગયા અને પ્રશાંત કિશોર જ કોંગ્રેસના મુખ્ય વિરોધી બન્યા. કિશોરે બિહાર ચૂંટણી વખતે રાહુલ ગાંધીના વોટ ચોરી અને SIRના મુદ્દાઓને ચૂંટણી મુદ્દાઓ માનવાથી સાફ ના કહી દીધી હતી.