ભુજ નજીક જૂની જેલ કમ્પાઉન્ડમાં લાગી ભીષણ આગ

April 15, 2025

ભુજના સરપટ નાકા નજીક આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી છે. જેલ કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા વાહનો આગની ચપેટમાં આવતા એક પછી એક બ્લાસ્ટ થયા છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ ઓલવવાની કવાયત શરૂ કરી દીધી છે. 

સરપટા વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે, પોલીસ દ્વારા જપ્ત કરીને રાખવામાં આવેલા વાહનોની ટાંકીમાં પેટ્રોલ-ડીઝલ હોવાના કારણે વિસ્ફોટ થયા હતા. 

આગની ઘટનાની જાણ થતાં અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે પરંતુ આગ લાગવાની ચોક્ક્સ કારણ જાણી શકાયું નથી. આગના લીધે સ્થાનિક લોકોના જીવ તાળવી ચોંટી ગયા હતા અને ભયનો માહોલ સર્જાયો હતો.