અમેરિકામાં મોટી દુર્ઘટના, ઇમારતમાં ભીષણ આગ લાગતાં 4ના મોત, 4ની હાલત ગંભીર

May 12, 2025

અમેરિકાના મિલવૌકીમાં એક ઇમારતમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી. એક નાની જગ્યાએ લાગેલી આગ ઝડપથી ફેલાઈ ગઈ અને એક પછી એક અનેક ફ્લોર આ આગની લપેટમાં આવી ગયા. રવિવારે સર્જાયેલી આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઉપરાંત ઘણા અન્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના મધર્સ ડે ના રોજ એટલે કે 11 મે ના રોજ સવારે 8:00 વાગ્યે ઘટી હતી. આગની લપેટમાં આવ્યા બાદ ઇમારત સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગઈ છે.  મિલવૌકી ફાયર ડિપાર્ટમેન્ટના ચીફ એરોન લિપ્સકીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, 'આ ઇમારત 85 યુનિટમાં બની હતી, પરંતુ આગને કારણે તે હવે રહેવા યોગ્ય નથી રહી. 200થી વધુ લોકોને અહીંથી બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.' એરોન લિપ્સકીએ જણાવ્યું કે, આગ લાગ્યા બાદ ઇમારતના ચોથા અને બીજા માળે રહેતા લોકો નીચે કૂદવા લાગ્યા. આ જોઈને સ્થાનિક લોકોએ ફાયર વિભાગને ફોન કર્યો. જોકે, અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી. લિપ્સકીએ જણાવ્યું કે, 'ફાયર ટ્રકની મદદથી બારી પાસે ઉભેલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ સાથે જ ફાયર ટીમના કેટલાક લોકો બિલ્ડિંગમાં ગયા અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા. આ દરમિયાન ફાયર વિભાગે લગભગ 30 લોકોનું રેસ્ક્યૂ કર્યું.'