પ.બંગાળની કોર્ટનો મોટો ચુકાદો, 'ડિજિટલ એરેસ્ટ' કેસમાં 9 લોકોને જન્મટીપની સજા ફટકારી

July 19, 2025

છેલ્લા એક વર્ષથી આખા દેશમાં સાઇબર ક્રાઇમનું એક નવું નામ સામે આવ્યું છે, ડિજિટલ અરેસ્ટ. આ પ્રકારની છેતરપિંડીમાં અત્યાર સુધીમાં દેશભરના લોકો કરોડો રૂપિયા ગુમાવી ચુક્યા છે. આવા જ એક કેસમાં પશ્ચિમ બંગાળવની કોર્ટે પહેલીવાર ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે 9 આરોપીને દોષિત સાબિત કરીને ઉંમર કેદની સજા ફટકારી છે.  આ ચુકાદો પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાની કલ્યાણી કોર્ટે આપ્યો હતો. ગુરૂવારે 9 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને શુક્રવારે એડિશનલ સેશન્સ જજે સજા સંભળાવી હતી. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર બિવાસ ચેટર્જીએ જણાવ્યું હતું કે, દેશમાં ડિજિટલ અરેસ્ટ કેસમાં આ પહેલી સજા છે. ટ્રાયલ 24 ફેબ્રુઆરી 2025ના દિવસે શરૂ થઈ હતી અને માત્ર સાડા ચાર મહિનામાં પૂર્ણ થઈ હતી. ઘટનાના આઠ મહિનામાં સમગ્ર ટ્રાયલ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. આ કેસ 6 નવેમ્બર 2024નો છે, જ્યારે એક વૃદ્ધ વ્યક્તિ પાર્થ કુમાર મુખર્જી, જે એક નિવૃત્ત વિજ્ઞાની છે, તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે,  'મને એક વોટ્સએપ કોલ આવ્યો હતો જેમાં ફોન કરનારે પોતાને મુંબઈ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર હેમરાજ કોલી તરીકે ઓળખાવ્યો હતો. તેણે મને કહ્યું હતું કે, હું કોઈ નાણાંકીય કૌભાંડમાં આરોપી છે અને કેટલાક દસ્તાવેજો પણ મોકલ્યા. આરોપીએ મને ધમકી આપી હતી કે જો તે જે કહે છે તેનું તેમનું પાલન નહીં કરૂ તો મને અમે મારી પત્નીની ધરપકડ કરવામાં આવશે. ફરિયાદમાં જણાવાયું હતું કે, કોલ કરનારે તેને કોલ ડિસ્કનેક્ટ ન કરવાનો આદેશ આપ્યો અને "ડિજિટલ એરેસ્ટ" ના નામે તેને અલગ અલગ બેન્ક ખાતામાં કુલ 1 કરોડ રૂપિયા જમા કરાવવા કહ્યું. બાદમાં, જ્યારે કોલ કરનારનો નંબર બંધ થઈ ગયો, ત્યારે પાર્થ કુમારને ખ્યાલ આવ્યો કે તેની સાથે છેતરપિંડી થઈ છે. પાર્થ કુમારની લેખિત ફરિયાદના આધારે, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, રાણાઘાટે કેસ દાખલ કર્યો હતો. તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે, કોલ કંબોડિયાથી કરવામાં આવ્યો હતો અને વોટ્સએપ નંબર ભારતમાં જારી કરાયેલા સિમ કાર્ડમાંથી રજીસ્ટર કરવામાં આવ્યો હતો. આરોપીઓ કંબોડિયામાં રહેતા હતા અને હિન્દી અને બંગાળી ભાષાઓનું સારું જ્ઞાન ધરાવતા હતા. તેઓ  પૈસા દેશના વિવિધ ભાગોના લોકોના નામે અલગ અલગ ભારતીય ખાતાઓમાં મોકલવામાં આવ્યા હતા. 9 આરોપીઓમાંથી, 7 ના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તપાસમાં એ પણ બહાર આવ્યું કે, આ આરોપીઓએ દેશભરમાં 108 લોકો સાથે આવી જ છેતરપિંડી કરી હતી. આરોપીઓની મહારાષ્ટ્ર, હરિયાણા, ગુજરાત અને રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 9 સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.