અમેરિકામાં 10 લોકોને લઈ જતું વિમાન અચાનક અલાસ્કામાં ગુમ

February 07, 2025

અલાસ્કા : અમેરિકામાં ગુરુવારે (6 ફેબ્રુઆરી) 10 લોકોથી ભરેલું બેરિંગ એર વિમાન બપોરે અલાસ્કાના નોમ પાસે અચાનક ગુમ થઈ ગયું હતું. આ વિમાન અલાસ્કાના ઉન્નાલક્લીટ શહેરથી બપોરે 2:37 વાગ્યે (લોકલ ટાઇમ) ઉડાન ભર્યા બાદ 3:16 બાદ રડારથી ગુમ થઈ ગયું હતું. આ જાણકારી ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટરડાર ડેટાથી મળી છે. ગુમ વિમાન સેસના 208B ગ્રાન્ડ કારવાં હતું, જેમાં એક પાયલટ સહિત કુલ 10 લોકો સવાર હતા. મળતી માહિતી મુજબ, હાલ વિમાનને શોધવાનું અભિયાન ચાલી રહ્યું છે. 


અલાસ્કાના સાર્વજનિક સુરક્ષા વિભાગના જણાવ્યા અનુસાર, પહાડોમાં સ્થાનિક લોકોની મદદથી જમીન પર તપાસ અભિયાન ચાલી રહ્યું છે. જોકે, ખરાબ વાતાવરણના કારણે હવાઈ તપાસને હાલ રોકવામાં આવી છે. હાલ ટીમ વિમાનના અંતિમ લોકેશનની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.   અમેરિકન સરકારે નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઑક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ અનુસાર, અમેરિકાના બાકીના રાજ્યોની તુલનામાં અલાસ્કામાં એર ટેક્સી અને નાના વિમાનોની દુર્ઘટના વધુ થાય છે. અલાસ્કામાં પહાડી વિસ્તાર અને મુશ્કેલ વાતાવરણ હોય છે. અહીં અનેક ગામડાં રસ્તા સાથે જોડાયેલા નથી, તેથી લોકો અને સામાનની અવર-જવર માટે નાના વિમાનનો ઉપયોગ કરવામાં આવે છે.