અબ્દુલ્લાએ હુમલો કરવા માટે પૈસા આપ્યા હતા- પકડાયેલા શંકાસ્પદની કબૂલાત

March 24, 2024

મોસ્કો- રશિયાની રાજધાની મોસ્કોના એક કોન્સર્ટ હોલમાં થયેલા આતંકી હુમલામાં મરનારા લોકોની સંખ્યા 145 થઈ ચુકી છે. રશિયાની સુરક્ષા એજન્સીઓએ આ હુમલામાં સંડોવાયેલા મનાતા 11 લોકોની અટકાયત કરી છે. આ પૈકી એક શંકાસ્પદ આતંકીએ એવો ખુલાસો કર્યો છે કે, હું અને બીજા લોકો તાજિકિસ્તાનના કેટલાક માઈગ્રન્ટસ સાથે એક હોસ્ટેલમાં રહેતા હતા. હું નોકરીની શોધમાં હતો પણ લાંબા સમય સુધી જોબ મળી રહી નહોતી અને એ પછી અબ્દુલ્લા નામના એક વ્યક્તિએ મને પૈસા માટે લોકોને મારવાની ઓફર કરી હતી.
જોકે સુરક્ષા એજન્સીઓનુ માનવુ છે કે આ વ્યક્તિના નિવેદનની તપાસ થવી જરુરી છે. હાલમાં તો તમામ 11 વ્યક્તિઓની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ આ હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ-ખોરાસન પહેલા જ લઈ ચુક્યુ છે. દરમિયાન ઈસ્લામિક સ્ટેટ દ્વારા આ હુમલાના વિડિયો પણ વાયરલ કરવામાં આવ્યા છે અને તેમાં જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે કોઈને પણ ધ્રુજાવી દે તેવા છે. સુરક્ષા અધિકારીઓનુ કહેવુ છે કે, હુમલાખોરોએ અંધાધૂધ ફાયરિંગ કર્યા બાદ કોન્સર્ટ હોલને આગ ચાંપી દીધી હતી અને તેના કારણે તેમને સ્થળ પરથી ભાગવાનો મોકો મલી ગયો હતો.